આજે 21મી જુન. વિશ્વના વર્ષ દરમિયાન આવતા 4 અગત્યના દિવસો પૈકીનો એક દિવસ.
અનંત વર્ષોથી દર વર્ષે સૂર્ય પૃથ્વીની ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર તરફ નો પોતાનો પ્રવાસ અવિરતપણે કરતો રહ્યો છે (અલબત્ત પૃથ્વીની સાપેક્ષમાં વાસ્તવમાં નહી). સૂર્યના આ પ્રવાસને આપણે અનુક્રમે દક્ષિણાયન અને ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ (અયન એટલે જે તે દિશા તરફની ગતિ).અને આ પ્રવાસનો અગત્યનો પડાવ એટલે 21 મી જુન.સૂર્યના ઉત્તર દિશા તરફના પ્રવાસનો છેલ્લો દિવસ, અને તેથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસનારા લોકો માટે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, સાથે જ દક્ષિણ ગોળાર્ધવાસીઓ માટે વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ પણ ખરો.હવેથી સૂર્ય દક્ષિણ દિશા તરફનો પોતાનો પ્રવાસ આરંભશે (દક્ષિણાયન) અને તેથી ઉત્તર ગોળાર્ધવાસીઓ માટે દિવસની લંબાઈ ક્રમશ: ઘટતી જાશે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વધતી જાશે.
સૂર્યની આ યાત્રા પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધને મળતા પ્રકાશ, ગરમીનું અને તે દ્વારા ૠતુઓનુ નિર્ધારણ કરે છે.
સૂર્ય ની આ યાત્રા દરમિયાન 4 અગત્યના પડાવ આવે છે.
(1) 21 મી જુન. ઉત્તરાયનનો અંતિમ દિવસ જેને અંગ્રેજીમાં summer solstice તરીકે ઓળખવામા આવે છે.
(2) 23 મી સપ્ટેમ્બર. શરદ સંપાતનો દિવસ. નામ મુજબ આ દિને દિવસ અને રાતનો સમય એકસરખો હોય છે. જેને અંગ્રેજીમાં Equinox કહે છે.
(3) 22 મી ડિસેમ્બર. ઉત્તરાયણનો આરંભ. 21મી ડિસેમ્બરે દક્ષિણાયનનો અંતિમ દિવસ તેથી સૌથી ટૂંકો દિવસ જેને અંગ્રેજીમાં winter solstice કહે છે.
(4) 23મી માર્ચ. વસંત સંપાતનો દિન. દિવસ અને રાત એકસરખા. spring equinox
સદગુરૂ જગ્ગી વાસુદેવ અનુસાર આ જ દિવસે આદિયોગી યોગીશ્વર ભગવાન શિવે સપ્તર્ષિઓને જ્ઞાન પ્રદાન કરેલ.
આ દિવસ ભારત માટે રાજકીય રીતે ઘણો મહત્વનો છે. આ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ હેડગેવારે આ દુનિયામાંથી વિદાય લીધેલ. પરંતુ તે પહેલા તેમણે એક એવી સંસ્થા સ્થાપી જે કદાચ વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા હશે. એવી સંસ્થા કે જેણે લોકોમાં દેશસેવાની ભાવના પેદા કરી, જેણે હિન્દુ સમાજમાં સમાનતા માટેનું ઊંચ-નીચની ભાવના દૂર કરવાનો પ્રયાસ કર્યો. આજે પણ કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિના સમયમાં રા.સ્વ.સં. ના સ્વયંસેવકો સેવામાં તત્પર જોવા મળતા હોય છે.
આ જ દિવસે ભારતને એવા વડાપ્રધાન મળ્યા કે જેણે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતને મુક્ત અર્થતંત્ર બનાવવાના ક્રાંતિકારી પગલા લીધા, પી. વી. નરસિંહ રાવ.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેના ત્રણ વર્ષ પહેલા બેંગાલૂરુ ખાતે યોગાચાર્યોની બેઠક મળેલ અને તેમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવેલ કે યોગની ઉજવણી માટે એક વિશ્વ યોગ દિવસ હોવો જોઈએ., પરંતુ તેમની આ ઈચ્છા ફળીભુત થઈ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ. 27 મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બોલતા તેમણે જણાવ્યુ કે 'યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની માનવજાતને એક અમૂલ્ય ભેટ છે.' અને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે તેવો પ્રસ્તાવ મુક્યો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તે અંગે અનૌપચારિક ચર્ચા શરૂ કરાઈ અને જ્યારે 11 ડિસેમ્બર 2014 ના રોજ અશોક મુખર્જી દ્વારા જ્યારે વિશ્વ યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો ત્યારે 177 દેશો તરફથી તેને ટેકો મળ્યો અને તે આ દિવસની ઉજવણી ના સહ-પ્રાયોજક બન્યા, જે અત્યાર સુધીમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા પસાર કરવામાં આવેલ કોઈપણ ઠરાવ પૈકી સૌથી વધુ છે. આટલી મોટી સંખ્યામાં દેશો દ્વારા કોઈી ઠરાવને સમર્થન મળ્યુ હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો અને વિના મતે આ ઠરાવ પસાર થયો જે ભારત દેશ માટે આપણી પ્રાચીન સભ્યતા માટે ગર્વની વાત છે. યોગને વિશ્વ ફલક પર મુકવા માટે નરેન્દ્ર મોદી ધન્યવાદને પાત્ર છે.
પણ સાથે સાથે માનવ જાત ૠણી રહેશે મહર્ષિ પતંજલિની કે જેણે અત્યંત પ્રાચીન યોગવિદ્યાને સૂત્રબદ્ધ કરી આ અમુલ્ય વારસો માનવજાતને સોંપ્યો અને અસંખ્ય જાણ્યા અજાણ્યા યોગસાધકો અને યોગાચાર્યોનો જેમણે આ જ્ઞાનગંગાને વહેતી રાખી. આવો આજે તેમને સહુને નમન કરી આ યોગરૂપી ગંગામાં સ્નાન કરીએ, નિત્ય કરીએ અને તનથી તથા મનથી સ્વસ્થ રહીએ.
બહુ સરસ, જલધિ.
ReplyDeleteThanks Rohit
Delete