Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Monday, 26 June 2017

World Music Day

        21 મી જુન ના મારા બ્લોગમાં એક વાત રહી જ ગઈ અને તે મને મારા મિત્ર એ પ્રશ્ન પૂછીને યાદ અપાવી, કે 21મી જુન ના દિવસે વિશ્વ સંગીત દિન પણ ઉજવવામાં આવે છે. તો ચાલો એ બહાને વિશ્વ સંગીત દિનની અને ભારતીય સંગીતની થોડીક વાત કરી લઈએ.
       વિશ્વ સંગીત દિનની ઉજવણી ઈસવીસન 1982માં શરૂ થઇ, ફ્રાન્સમાં. તેનો શ્રેય જાય છે જેક લેન્ગને,જે તે સમયે ફ્રાન્સના સાંસ્કૃતિક બાબતોના મંત્રી હતા. એમણે જ્યારે એક અભ્યાસ માં જાણ્યું કે ફ્રાન્સમાં લગભગ દરેક બીજું બાળક કોઈને કોઈ સંગીતનું વાદ્ય વગાડી જાણે છે ત્યારે તેમને વિચાર આવ્યો જાહેરમાં લોકો એકઠા થઈ વાદ્યો વગાડે એક ઉત્સવ અને ઉમંગનું વાતાવરણ થાય.આજે 35 વર્ષે વિશ્વના લગભગ120 કરતા વધુ દેશોમાં આની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મફતમાં જાહેર પ્રજા માણી શકે તેવી રીતે સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
        સંગીત દિન ની વાત નીકળી છે એટલે સંગીત વિશે થોડી વાત કરી લઈએ.
        સૌથી પહેલા તો સંગીતની ઉત્પત્તિ વિશે વાત કરીએ. બીજી ઘણી બધી વિદ્યાઓની ઉત્પત્તિની જેમ સંગીત વિદ્યાની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ થયેલ છે તેમ માનવામાં આવેલ છે.ભગવાન શંકરના વર્ણનમાં પણ ''કર ત્રિશુલ ડમરુધર'' તેવુ વર્ણન આવે છે.આમ જુઓ તો આપણા દ્વારા પુજવામાં આવતા દેવ-દેવીઓ ના હાથમાં કોઇ ને કોઇ વાદ્ય હોય છે મોટાભાગે, જેમકે મા સરસ્વતીના હાથમાં વીણા, ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી, દેવર્ષિ નારદના હાથમાં વીણા, તો ભગવાન ગણપતિ પખવાજ (મૃદંગ જેવુ સહેજ મોટા કદનું વાદ્ય) વાદનમાં નિષ્ણાત હતા. વળી ભારતીય પરંપરામાં એક મત પ્રમાણે નાદ દ્વારા જ જગતનો ઉદ્ભવ થયો છે એમ માનવામાં આવે છે અને ''नादैव ब्रह्म'', ''નાદ જ બ્રહ્મ છે એમ ગણાય છે. બાઈબલમાં પણ આમ કહેવાયેલ છે ''First there was only sound. The sound was with God and The sound was God.''સંગીતની શિક્ષામાં ઘણા સંગીત શિક્ષકો ૐકારની સાધનાને મહત્વ આપે છે, મેં ઝી ટીવી પર આવતા સારેગામપ કાર્યક્રમમાં મહાન ગાયિકા આશા ભોંસલેને એક સ્ત્રી સ્પર્ધકને તેની ગાયનકળા વધુ વિકસાવવા ૐકારની સાધના કરવાની સલાહ આપતા સાંભળેલ છે. સંગીતની આ દૈવી કળા માનવ પાસે આવી દેવર્ષિ નારદ દ્વારા (સંદર્ભ-નાટ્ય શાસ્ત્ર રચયિતા મુનિ ભરત). માણસોને લોભ અને મોહના પાશમાં બંધાયેલા ઈર્ષાથી ગ્રસિત જોઈને દેવોએ આ પગલુ ઉઠાવ્યુ.
        વેદોમાં પણ સામવેદ એ ગાઈ શકાય તેવો વેદ છે જ્યારે કે તેનો ઉપવેદ ગાંધર્વવેદ સંગીતનો ગ્રંથ ગણાય છે.
         સંગીતકળામાં ગાયન, વાદન અને નૃત્ય જેમાં ગાયન સૌથી શ્રેષ્ઠ ગણાયું છે. ગાયન ના આધારે વાદન અને વાદનના આધારે નૃત્ય થાય છે.
        સૌ જાણે છે તેમ સંગીત સાત સુરોના આધારે રચાયેલુ છે, આ સ્વરો છે, સા (ષડજ), રે(ૠષભ), ગ(ગાંધાર), મ(મધ્યમ), પ(પંચમ), ધ(ધૈવત),નિ(નિષાદ).આ સાત સ્વરો પૈકી રે, ગ, ધ, નિ સ્વરો કોમળ થઈ શકે છે જ્યારે કે મ તીવ્ર થઈ શકે છે, પરંતુ સા અને પ અચળ રહે છે આમ કુલ 12 સ્વરો કે જે મંદ્ર, મધ્ય અને તાર એમ ત્રણ સપ્તકમા ગવાય છે અને સંપૂર્ણ સંગીતની રચના કરે છે. પંડિત વેંકટમણિની ગણના મુજબ આ 12 સ્વરો માંથી 72 થાટ (સ્વરોનો એવો સમુહ કે જેમાંથી રાગ ઉત્પન્ન થાય છે.) બને છે અને પ્રત્યેક થાટમાંથી 484 રાગ બની શકે છે. એટલે કે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં 484*72=34848 રાગની રચના શક્ય છે. અને એક એક રાગમાંથી બની શકતી અસંખ્ય રચનાઓને ધ્યાનમાં લો તો આપણુ ભારતીય સંગીત એક વિશાળ સાગર સમાન છે, જેમાં જેટલી વખત ડુબકી મારો એટલી વખત રસ ના અલગ અલગ મોતી મળે છે.
        રાગ એટલે સ્વરોનો એવો સમુહ કે જે રસ ઉત્પન્ન કરે અને મનનું રંજન કરે. દરેક રાગનો પોતાનો ગાવા માટેનો એક આગવો સમય હોય છે જે સમયે તે વધુ મનોહર બને તો કેટલાક રાગ કોઇપણ સમયે ગાઇ શકાય તેવા હોય છે. દરેક રાગનો અલગ રસ હોય છે કોઇ શૃંગારરસ પેદા કરે છે તો કોઇ કરુણ કોઇ વીર તો કોઇ ભયાનક. વળી ગાયન વાદનમાં તાલનુ પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે. કદાચ એટલે જ અમુક સંશોધનોમાં જણાયુ છે કે જે બાળકોને નાનપણથી સંગીત શીખવવામાં આવે છે તેમું ગણિત ખુબ સારુ થાય છે.
        સંગીતની અસર માત્ર માનવ મન પર જ થાય છે એવુ નહિ પણ પશુઓ અને પ્રકૃતિ પર તથા જડ પદાર્થો પર પણ થાય છે એમ કહેવાય છે.આ અંગે ની કેટલીક કિવદંતીઓ પ્રચલિત છે. કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબરે પોતાના દરબારના મહાન ગાયક તાનસેન ને પૂછ્યું કે શું સાચે જ દીપક રાગ ગાવાથી અગ્નિ પ્રકટાવી શકાય છે? અને તાનસેન દ્વારા તેનો જવાબ હામાં વાળવામાં આવતા અકબરે તેને તે પુરવાર કરવાનું કહ્યું. ભર્યા દરબારમાં રાત્રિના સમયે તાનસેને દીપક રાગ છેડ્યો, અને દીવાઓ પ્રજ્જ્વલિત થઈ ઉઠ્યા. અકબરે ખુબ ખુશ થઇ તાનસેનને ઘણી ભેટ આપી સન્માનિત કર્યો, પરંતુ આ રાગ ગાવાના કારણે તેના શરીરમાં દાહ ઉઠ્યો જે કંઈ પણ કરતા શમતો ન હતો. તેણે જાણ્યું કે દીપક રાગ ગાવાના કારણે શરીરમાં થતો દાહ તો જ શમે જો કોઈ જાણકાર મલ્હાર રાગ ગાય અને તેના કારણે થયેલ વરસાદનું પાણી પીવામાં આવે તો આ દાહ શમે. તાનસેને આવા ગાયકની શોધ આદરી અને તેની શોધ પુરી થઇ ગુજરાતમાં. ગુજરાતના વડનગર ખાતે રહેતી તાના-રીરી નામની બે બહેનોએ મલ્હાર રાગ ગાઈને વાદળા વરસાવ્યા અને તે જળ પી ને તાનસેનનો દાહ દુર થયો. આજે આ બે બહેનોની યાદમાં વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી ઉત્સવ ઉજવવામાં આવે છે જેને શરુ કરવાનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે.
        તાનસેનની વાત નીકળી છે તો બૈજુ બાવરાને યાદ કર્યા વગર કેમ ચાલે? કહે છે કે તાનસેનને પોતાની સંગીત વિદ્યાનું એટલુ ઘમંડ થઇ ગયુ હતુ કે કોઇપણ ગાયક ને તે સ્પર્ધા કરવાનો પડકાર ફેંકતો અને હારનાર ને સજા થતી.આવી જ એક  સ્પર્ધા દરમિયાન બૈજુના પિતા હારી જતા તેને દેહાંત દંડની સજા થઈ. તેના આ અત્યાચારથી લોકો સંગીત શીખતા ડરવા લાગ્યા ત્યારે બૈજુ બાવરાએ તેને પડકાર ફેંક્યો. જ્યારે બન્ને વચ્ચે સ્પર્ધા થઈ ત્યારે તાનસેને મૃગરંજની રાગ છેડ્યો જેનાથી આકર્ષાઈને હરણ તેની પાસે ટોળે વળ્યા અને તેણે દરેક હરણના ગળામાં એક ફુલોની માળા પહેરાવી દીધી. પછી તેણે ગાયન બંધ કરતા જ બધા હરણ ત્યાંથી ભાગી ગયા. તાનસેને બૈજુને તે બધી માળાઓ પાછી લાવવાનૌ પડકાર ફેંક્યો, બૈજુએ પણ રાગ છેડ્યો અને તે રાગના સંમોહન હેઠળ બધા હરણ ફરીવાર ત્યાં આવ્યા અને બૈજુએ દરેક માળાઓ પાછી મેળવી. ત્યારબાદ બૈજુએ જે રાગ ગાયો તેના કારણે તે જે શિલા પર બેઠો હતો તે પીગળવા મંડી અને જ્યારે તેનો કંઠ સુધી તે શિલામાં ધસી ગયો ત્યારે તેણે ગાયન બંધ કર્યું અને તાનસેનને પડકાર ફેંક્યો પોતાને મુક્ત કરવાનો. તાનસેને પોતાની અસમર્થતા સ્વીકારી હાર માની લીધી અને બૈજુએ સ્વયં પોતાની જાતને મુક્ત કરી. તેણે તાનસેનને દેહાંત દંડની સજા ન અપાવતા માફ કર્યો અને સંગીત જેવી દૈવી વિદ્યાનો આવી રીતે અનાદર ન કરવા કહ્યું.
        સંગીતની આવી તો અનેક કથાઓ છે જે ખુટે તેમ નથી. હાલના સમયમાં સંગીતનો ચિકિત્સા ક્ષેત્રે ઉપયોગ થાય છે. કેટલાક સંશોધનોમાં જણાયુ છે કે વૃક્ષો આગળ સંગીત વગાડવાથી તેમનો સારો વિકાસ થાય છે.તો આવો સંગીતના સાગરમાં ડુબીને જીવન સંગીતમય બનાવીએ.

       ટુચકો- ગુજરાતીના મહાન હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેના ઘરે રાખેલ ઉજાણી માં આવેલ મહેમાનો પૈકી એકે એમને ઘરમાં પડેલા સિતાર સામે આંગળી ચીંધીને કહ્યુ ''તમને ખબર છે આના તાર બકકીના આંતરડામાંથી બનાવવામાં આવે છે?'' જ્યોતિન્દ્ર દવે એ જવાબ વાળતા કહ્યું'' એટલે જ જ્યારે તમે તે વગાડતા હો છો ત્યારે કોઈની આંતરડી કકળતી હોય તેવું લાગે છે.''
       
     
        
       
       
       

No comments:

Post a Comment