હમણાં જ ફાગણ પર લખ્યું તો મનમાં થયું કે ગુજરાતી મહિનાની રચના વિશે કંઈક લખું.
આપણે સહુ જાણતા જ હોઇશું કે ગુજરાતી મહિના, ભારતીય પંચાંગ, ચંદ્ર ની આકાશી ગતિ પર આધારિત, ચાંદ્ર પંચાંગ છે. પંચાંગ એટલે પાંચ અંગ, અને તેના પાંચ અંગો છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ.
આકાશમાં કુલ મળીને ૨૭ નક્ષત્ર હોય છે, જેના નામ છે: (૧) શ્રવણ (૨) પુષ્ય (૩) અશ્વિની (૪) મૃગશીર્ષ (૫) અનુરાધા (૬) રેવતી (૭) હસ્ત (૮) પુનર્વસુ (૯) સ્વાતિ (૧૦) ભરણી (૧૧) રોહિણી (૧૨) પૂર્વાષાઢા (૧૩) પૂર્વાફાલ્ગુની (૧૪) પૂર્વાભાદ્રપદા (૧૫) ઉત્તરાફાલ્ગુની (૧૬) ઉત્તરાષાઢા (૧૭) ઉત્તરાભાદ્રપદા (૧૮) આર્દ્રા (૧૯) મુળ (૨૦) વિશાખા (૨૧) કૃત્તિકા (૨૨) મઘા (૨૩) ચિત્રા (૨૪) ધનિષ્ઠા (૨૫) શતભિષા (૨૬) જ્યેષ્ઠા (૨૭) આશ્લેષા. પુરાણોમાં આ ૨૭ નક્ષત્રોને ચંદ્રની ૨૭ પત્નીઓ, દક્ષ પ્રજાપતિની પુત્રીઓ, તરીકે વર્ણવવામાં આવી છે, અને ચંદ્ર પોતાની દરેક પત્ની સાથે લગભગ એક દિવસ જેટલો સમય પસાર કરી ૨૭ દિવસમાં પુરૂં નક્ષત્ર વૃત ફરી વળે છે.
આ ૨૭ નક્ષત્ર ના નામ વાંચીને ગુજરાતી મહિનાઓના નામ સાથેનું સામ્ય તરત જ નજરે ચડશે, પણ એની વાત કરીએ તે પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં આવતી એક ખાસ પ્રકારની શબ્દરચના, અપત્યદર્શક શબ્દો, અંગે વાત કરી લઈએ.
અપત્ય એટલે સંતાન, પુત્ર હોય કે પછી પુત્રી. સંસ્કૃત ભાષામાં, માતા કે પિતા ના નામ પરથી સંતાનના નામકરણ ની એક ખાસ વ્યાકરણની પદ્ધતિ છે જેને અપત્યદર્શક નામ કહેવાય છે. જેમકે માતા અંજનીના પુત્ર હોવાથી હનુમાનજી ને આઞ્જનેય કહેવાય છે, તો વળી મરુતના પુત્ર હોવાથી મારુતિ પણ કહેવાય છે; વસુદેવજી ના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ને વાસુદેવ કહેવામાં આવે છે, તો કુન્તી પુત્ર અર્જુનને કૌન્તેય કહેવાય છે. વળી એ જ માતા કુંતી નું બીજું નામ પૃથા હોવાથી આ પૃથાપુત્ર અર્જુન પાર્થ એવા નામથી ઓળખાય છે, અને એ પાંડુ પુત્ર હોવાથી પાંડવ પણ કહેવાય છે. આ જ રીતે કુરુ ના વંશજો કૌરવો, ભરતની સંતાન ભારત, જહ્નુ ઋષિની પુત્રી જાહ્નવી, પૃથુ રાજાની પુત્રી પૃથ્વી કહેવાય છે. છ કૃતિકાઓ ના પુત્ર હોવાથી ભગવાન સ્કંદ કાર્તિકેય કહેવાય છે.
હવે આટલી પૃષ્ઠભૂમિકા પછી આપણે ગુજરાતી મહિનાઓના નામકરણ નો નિયમ જાણીએ. પૂર્ણિમા ના દિને ચંદ્ર જે નક્ષત્ર માં હોય, તે નક્ષત્ર ના નામ પરથી અપત્યદર્શક નામ બનાવી, જે તે મહિના નું નામકરણ કરાયું છે.
આમ ૧૨ મહિનાના નામ છે:
(૧) કૃતિકા નક્ષત્ર - કાર્તિક - કારતક
(૨) મૃગશીર્ષ નક્ષત્ર - માર્ગશીર્ષ - માગશર
(૩) પુષ્યનક્ષત્ર - પૌષ - પોષ
(૪) મઘા નક્ષત્ર - માઘ - મહા
(૫) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર - ફાલ્ગુન - ફાગણ
(૬) ચિત્રા નક્ષત્ર - ચૈત્ર
(૭) વિશાખા નક્ષત્ર - વૈશાખ
(૮) જ્યેષ્ઠા નક્ષત્ર - જ્યેષ્ઠ - જેઠ
(૯) પૂર્વાષાઢા નક્ષત્ર - અષાઢ
(૧૦) શ્રવણ નક્ષત્ર - શ્રાવણ
(૧૧) પૂર્વાભાદ્રપદા નક્ષત્ર - ભાદ્રપદ - ભાદરવો
(૧૨) અશ્વિની નક્ષત્ર - અશ્વિન - આસો
આમ ભારતીય પંચાંગ માં મહિના એ ચંદ્ર અને નક્ષત્ર ની સંતાનો છે.
Featured post
૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ
આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...
Monday, 11 March 2019
ગુજરાતી મહિના
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment