Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Saturday, 9 March 2019

ફાગણ

            ફાગણ આવ્યો, મારા આંગણે રંગ લાવ્યો
     યુનાઈટેડ વે બરોડા ના ગરબામાં આ ગીત સાંભળ્યું છે અને આ ગીત પર ઘુમ્યા અને ઝુમ્યા પણ છીએ. ફાગણની મસ્તી ને આ ગીતમાં આબાદ રીતે ઝીલી લેવામાં આવી છે.
     ફાગણ એટલે રંગોનો મહિનો. ફાગણ એટલે આનંદ ઉત્સાહ અને ઉમંગ નો મહિનો. ફાગણ મહિનામાં વાસંતી વાયરા વાય છે અને આખી સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠે છે. વૃક્ષો પર નવી કૂંપળો ફૂટી નીકળે છે અને નવા પર્ણ આવે છે, પુષ્પો ખીલે છે, ધરતી સોળ શણગાર સજીને નીકળેલી કોઈ નવોઢા જેવી લાગે છે. આખી દુનિયા રંગબેરંગી બની જાય છે.
     પણ આ રંગબેરંગી વૃક્ષોમાં સૌથી વધુ જો કોઈ અલગ તરી આવતું હોય તો તે પલાશ. એને ખાખરા ના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાગણ માં આખું વૃક્ષ કેસુડાના ફૂલ થી છવાઈ જાય છે અને આંખોને ઉડીને વળગે છે. રાજપીપળા ખાતે ના જંગલો માં તેના ઘણા વૃક્ષો જોયા છે અને જ્યારે ઝુંડમાં આ વૃક્ષો હોય ત્યારે જંગલનો એ ભાગ ભડકે બળી ઉઠ્યો હોય એવો છતાં પણ અતિ સુંદર ભાસે છે. મહાભારતકારે યુદ્ધમાં ઘવાયેલા, લોહી નીતરતા અભિમન્યુ ને કેસુડાના ફૂલોથી ખીલી ઊઠેલા પલાશના વૃક્ષ સાથે સરખાવ્યો છે. આખરે આ કેસરી રંગ શૌર્યનો રંગ પણ છે, યુદ્ધમાં લડવા નીકળેલા સૈનિકો માટે કેસરિયા કરવા નીકળ્યા છે એવું કહેવાય છે.
     જ્યારે આખી સૃષ્ટિ રંગોથી રંગાઇ ગઇ હોય ત્યારે માણસ પણ કેવી રીતે તેમાંથી બાકાત રહી શકે. હોળી પછીના દિવસે, કેસુડો, અબીલ, અને ગુલાલ ના  રંગોથી સહુ એકબીજાને રંગી દે છે. (હવે તો ઘણીવાર કાદવ અને કૃત્રિમ રાસાયણિક રંગોથી) ગીત ગાતાં ગાતાં સંગીત વગાડતા, નાચતા, રંગ ભરેલા પાણીની પિચકારીથી એકબીજાને રંગતા સહુ આનંદમાં ઝુમી ઉઠે છે.
     વડોદરા ની લગભગ દરેક ધુળેટી મેં મારા મિત્રો કનુ અને જસ્મિનની સોસાયટીમાં ઉજવી છે, આખરે મિત્રો અને પરિવાર જ ઉત્સવને ઉત્સવ બનાવે છે.

No comments:

Post a Comment