ગઈ કાલે 'મોમ' જોયું. શ્રીદેવીના તથા તેની દીકરી બનેલ અભિનેત્રી સજલ અલીના ઉત્કૃષ્ટ અભિનય, મજબૂત પટકથા તથા પાત્રાલેખનને કારણે એક ખુબજ જોવાલાયક ચલચિત્ર આપણને મળ્યું છે. ઘણી બધી બાબતો આમાં ખુબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે.
દેવકી (શ્રીદેવીના પાત્રનું નામ), આર્યાની સાવકી મા હોય છે. આવા પરિવારને નીઓ-ટ્રેડિશનલ સ્ટેપ ફેમિલી કહેવાય. દેવકી આર્યાને પ્રેમપૂર્વક અપનાવે છે પોતાની દીકરી ગણીને જ પ્રેમ આપે છે, પરંતુ આર્યા દેવકીને હંમેશા મે'મ કહીને જ બોલાવે છે(દેવકી તેની શાળામાં શિક્ષિકા હોય છે) મોમ નહી. તે પોતાના પિતા સાથે જ બધી વાત કરે છે અને દેવકી તે વાતમાં વચ્ચે પડે તેનો અણગમો તે હંમેશા વ્યક્ત કરે છે. તેને એવું લાગે છે કે તેના પિતા તેની માતાને ભુલી ગયા છે અને તેથી તે બીજી સ્ત્રીને ઘરે લઈ આવ્યા છે. જો તેના પિતા દેવકી ને મે'મ કહેવા બાબતે ટકોર કરે તો તે ગુસ્સે ભરાઈ જમવાનું છોડી ચાલી જાય છે. જો કે તે પોતાની સાવકી બહેન ને અપનાવી લે છે પણ દેવકીને પોતાની મા તરીકેનું સ્થાન નથી આપતી અને વાતચીતમાં પણ તે દેવકીને કહે છે કે ''તમે એમને કીધુ નહિ કે હું તમારી દીકરી નથી.''
એક બાળકના જીવનમાં તેની માંના અવસાન પછી જો કોઈ બીજી સ્ત્રી અપર મા બની આવે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે, તે બાળકના માનસમાં જે ઉથલપાથલ થાય છે, સંબંધોના જે નવા તાણાવાણા રચાય છે અને જે સંઘર્ષ થાય છે તે આ ચલચિત્રમાં સુંદર રીતે દર્શાવ્યું છે. સામાન્ય રીતે સાવકી મા અને પહેલી પત્નીના સંતાનો વચ્ચે મધુર સંબંધ રહેવા અઘરા છે.જેમાં બેમાંથી કોઈ એક અથવા બંને પક્ષો એકબીજાને સ્વીકારવા તૈયાર હોતા નથી. પણ જેમ દેવકીનું પાત્ર કહે છે તેમ ''આર્યાને સમજાવવાની નહિ સમજવાની જરૂર છે'', તેવો અભિગમ જો દાખવવામાં આવે તો શક્યતા રહે છે કે એક સ્વસ્થ સંબંધ બને.
આર્યા પર બળાત્કાર થાય છે. મોડી રાત્રે વેલેન્ટાઈન દિવસની પાર્ટીમાં તેની સાથે ભણતા છોકરા મોહિતના ડાન્સના પ્રસ્તાવને તે નનૈયો ભણે છે, મોહિત નો પિતરાઈ ભાઈ ચાર્લ્સ તેને પૂછે છે કે શું તને એ છોકરી જોઈએ છે? આ સવાલ આવા પુરુષોના મનમાં સ્ત્રી પ્રત્યે રહેલી માનસિકતા દર્શાવે છે. આવા પુરુષો માટે સ્ત્રી કોઈ વ્યક્તિ નહિ સંભોગ, સેક્સ માટેનું રમકડુ છે. જેને પટાવવાની હોય અને જો પટે નહિ તો બળાત્કાર કરીને રસ્તામાં ક્યાંક ફેંકી દેવાની હોય. તેની કોઈ સ્વતંત્ર ઈચ્છા ન હોઈ શકે, તે પુરુષને ના ન કહી શકે, તેણે તો માત્ર તાબે જ થવાનું હોય સ્વેચ્છાએ, નહિ તો બળજબરીપુર્વક. વળી બીજો બળાત્કારી વ્યક્તિ દારૂના નશામાં બોલે છે ''સ્ત્રી તરીકે જન્મ મેળવવા એક જ જન્મ પુરતો છે પણ પુરુષ તરીકે જન્મ મેળવવા 1008 જન્મ લેવા પડે'' સ્ત્રી તો નીચી પાયરીની છે એનું મહત્વ પુરુષ કરતા નીચે જ હોય એ માનસિકતા અહીં ડોકિયું કરે છે. અને જેનો દરજ્જો નીચો હોય તે ના કેવી રીતે પાડી શકે? ભલે ને પછી તે માંગણી શારીરિક સંબંધ માટેની કેમ ન હોય?
જ્યારે આર્યા મોહિતને ના પાડે છે તો ચાર્લ્સ બેહોશીની દવા પીણાંમાં ભેળવીને આર્યાને પ્રસ્તાવ કરે છે, આ રીતને ડેટ રેપ કહે છે જેમાં સામાન્ય રીતે છોકરીનો બોયફ્રેન્ડ આવું નશીલું પીણું પીવડાવીને છોકરીની સાથે શારીરિક સંબંધ બાંધે છે. દવાની અસર હેઠળ હોવાથી છોકરી તેનો વિરોધ કરી શકતી નથી.અમેરિકાના આંકડા અનુસાર દર છ માંથી એક છોકરી આવા ડેટ રેપનો શિકાર બને છે. અને પાંચમાંથી બે છોકરા જો તક મળે તો ડેટ રેપ કરવા માંગતા હતા. આ પ્રકારે બળાત્કારનો શિકાર બનેલી સ્ત્રીઓ ફરિયાદ કરે તેવી સંભાવના બળાત્કારનો ભોગ બનેલ અન્ય સ્ત્રીઓની સરખામણીમાં ઓછી હોય છે. હવે ભારતમાં ખાસ કરીને મહાનગરોમાં ડેટ કલ્ચર વિકસી રહ્યું હોઈ આવા બનાવો વધવાની સંભાવના છે.
જોકે આર્યા ચાર્લ્સનો પ્રસ્તાવ ઠુકરાવી દે છે અને તેથી તે ગુસ્સામાં આવી જાય છે અને વળી તે દારૂનું સેવન કરી રહ્યો હોય છે. બળાત્કારના ઘણા કિસ્સાઓમાં બળાત્કારી પુરુષ દારૂના નશામાં હોય છે. અને બળાત્કારી ઘણીવાર બળાત્કાર એક સજા સ્વરૂપે,પોતાનો ગુસ્સો જેના કારણે આવ્યો તે સ્ત્રી પર કરતો હોય છે.
ગુસ્સો, દારૂનું સેવન અને સ્ત્રીઓ પ્રત્યે એક ચીજવસ્તુની, માલિકીપણાની ભાવના આ બધુ ભેગુ મળે છે ને આર્યા પર બળાત્કાર થાય છે. તે પાર્ટીમાંથી બહાર નીકળતી હોય છે ત્યારે તેને ઉઠાવી લેવાય છે અને ચાલુ ગાડીએ તેના પર ચાર પુુરુષો દ્વારા બળાત્કાર થાય છે.તેને એટલો માર મરાય છે કે તે જીવલેણ સ્થિતિમાં પહોંચી જાય છે. આ એક પ્રકારનું સેડીઝમ કહી શકાય જેમાં સામી વ્યક્તિને પીડા પહોંચાડવાથી આનંદ મળે છે.
પણ બળાત્કાર માત્ર સ્ત્રીના શરીર પર જ નહિ મન પર પણ મોટો ઘા કરી જાય છે. બહુ જ ઓછી સ્ત્રીઓ બળાત્કારની ઘટનામાંથી સંપૂર્ણ સ્વસ્થ બનીને બહાર નીકળી શકે છે ને સામાન્ય જીવન જીવી શકે છે. બળાત્કારના સમયે અનુભવાયેલી અસહાયતાની ભાવના તેનો પીછો નથી છોડતી. એ ડરામણા દ્રશ્યો તેના માનસપટની સામે આવ્યા જ કરે છે. એ ને પોતાનું જીવન અંધકારમય ભાસે છે. આર્યા ચુપચાપ રહેવા માંડે છે, ગુમસુમ, ઉદાસ. તે પોતાની જાતને પોતાના કક્ષ પુરતી જ સીમિત રાખે છે મોટાભાગે અને તે પણ પડદા બંધ રાખીને ( અંધકારમય જીવનનું પ્રતીક). તે પોતાના હાથની નસ પણ કાપવા છરી લઈને બેસે છે પણ હિંમત નથી કરી શકતી. પોતાના શરીર પરના એ ધૃણાસ્પદ સ્પર્શને ઘસી ઘસીને કાઢી નાખવા મથે છે જાણે હજી એ હાથ તેને સ્પર્શી રહ્યા હોય. બારણું બંધ કરીને તે રડ્યા કરે છે. જાણે જીવન નર્ક સમાન બની જાય છે. કોઈએ કરેલા ગુનાની સજા જાણે તે ભોગવી રહી છે.
આવી સ્થિતિ માટે સમાજની માનસિકતા પણ જવાબદાર છે, જે ઓછા-વત્તા અંશે સ્ત્રીઓને જ, કે જે ગુનાનો ભોગ બનેલી છે તેને, તેની પર થયેલ બળાત્કાર માટે જવાબદાર માને છે.'' આટલા ટૂંકા કપડા પહેરીને ફરે પછી શું થાય'', ''આટલી મોડી રાત્રે પાર્ટીઓમાં રખડવા નીકળે તો પછી આમ જ થાય ને''. જાણે ટૂંકા કપડા પહેર્યા હોવાથી છોકરીઓ પર બળાત્કાર કરવાનો પરવાનો મળી જતો હોય. વાંધો સ્ત્રીના કપડાનો નહિ તેને જોનાર પુરુષની નજરમાં છે, વિચારધારામાં છે. અને આપણે ત્યાં પંચાયતો ધર્મગુરૂઓ સ્ત્રીઓએ કેવા અને કેટલી લંબાઈના કપડા પહેરવા તેના ફતવા બહાર પાડે છે. નિયમન પુરુષો પર રાખવાની જરૂર છે સ્ત્રીઓ પર નહિ.
અને છોકરાઓ માટે? સમાચારપત્રો મુજબ આપણા જાણીતા નેતા મુલાયમના વાક્ય નો અર્થ કંઈક એમ હતો કે એ તો જવાની જોશમાં આવું પગલુ ભરાઈ જાય. જો આવી માનસિકતા જાહેરજીવનમાં પડેલ વ્યક્તિ ધરાવે છે તો પછી આપણા સમાજ વિશે શું કહેવું? આ જવાની નું જોશ નહીં પણ અત્યાચાર છે.
એક વખતના સીબીઆઈ ના વડા રણજીતસિંહનું નિવેદન વળી કંઈક એવું હતું કે જો તમે બળાત્કારનો સામનો ન કરી શકો તો તમે એનો આનંદ ઉઠાવો. વળી વોટ્સએપ પર આવતા જોક્સમાં મહિલા જ એવું બોલતી દેખાડાય છે કે લાડુ જાતે ખાવ કે પરાણે એ મીઠો જ લાગે. પણ આ માન્યતા ખોટી છે બળાત્કારનો ભોગ બનનારી સ્ત્રી ક્યારેય બળજબરીપુર્વકના સંભોગમાં આનંદ નથી અનુભવતી હોતી પણ પીડા જ અનુભવે છે. તેના શરીર, મન અને આત્માના હુમલા ની તેના અસ્મિતાભંગની પીડા.
આર્યાના બળાત્કારીઓ ન્યાયાલયમાંથી શંકાના આધારે છૂટી જાય છે, અને દેવકી તેને સજા આપે છે. વળી એ કામમાં એક જાસૂસ અને ઈન્સપેક્ટર તેને મદદ કરે છે. આ ન્યાયવ્યવસ્થા પરથી ઊઠી ગયેલો વિશ્વાસ દર્શાવે છે. જ્યાં પાઈના ચોરનાર જેલમાં સબડ્યા કરે છે અને કરોડોના લૂંટનાર જલસા કરે છે. ફિલ્મ જોનારા દરેક લોકો ગુનેગારને દેવકી સજા કરે છે તે બાબતથી ખુશ થાય છે, કારણકે લોકો ન્યાય થતો અપરાધીને દંડ પામતો જોવા માંગે છે અને જો ન્યાયાલય એ કામમાં સફળ ન થાય તો લોકો કાયદો હાથમાં લઈ શકે તેવી સંભાવના રહે જ છે.
ન્યાય ન મળવાની અથવા તો સમાજમાં બદનામી(?) થવાના ડરે સ્ત્રીઓ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવવા આગળ આવતી નથી.અમેરિકા જેવા દેશના આંકડા અનુસાર લગભગ અડધોઅડધ સ્ત્રીઓ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવવા આગળ આવતી નથી, તો ભારત જેવા દેશમાં તો ફરિયાદ ન નોંધાવનાર સ્ત્રીઓનું પ્રમાણ કેટલું ઊંચુ હશે તે સમજી શકાય તેમ છે. પણ બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓની બદનામી શા માટે? બદનામ તો એ પુરુષ થવો જોઈએ કે જેણે આવો જઘન્ય અપરાધ કર્યો. બળાત્કાર માટે ઘણીવાર ઈજ્જત લૂંટાઈ એવો શબ્દપ્રયોગ વપરાય છે. પણ જે અપરાધનું ભોગ બન્યું હોય તેની ઈજ્જત લૂંટાઈ એવું ગણાવું જોઈએ કે જેણે અપરાધ કર્યો હોય તેની? જો કોઈ ઘરમાં ઘુસીને લૂંટ કરે તો ઘરમાં રહેનારાની ઈજ્જત લૂંટાણી એવું ગણાય? અને સ્ત્રીની ઈજ્જત, આબરુ માત્ર તેની કૌમાર્ય પર કે તેના શરીરના એટલા ભાગ પર જ નિર્ભર છે? સમાજે આ દ્રષ્ટિકોણ બદલવો જ જોઈશે. સ્ત્રીની ઈજ્જત આબરુને શરીરના એટલા જ ભાગ સાથે જોડવાનું બંધ કરવું જોઈશે. ઉપરાંત બળાત્કારના કિસ્સામાં મદદ માટે હેલ્પલાઈન તથા સહાયતા કેન્દ્ર ખુલવા જોઈએ કે જેથી સ્ત્રીઓ પોતાના પર થયેલા આ અત્યાચારનો સામનો કરવા આગળ આવે.
મુખવાસ: अगर गलत और बहुत गलत में से किसिको चुनना होगा तो किसे चुनोगे?
Featured post
૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ
આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...
Monday, 17 July 2017
MOM
Tuesday, 11 July 2017
ગુરૂ પૂર્ણિમા
હવેથી શરૂ કરીને દિવાળીના મહાપર્વના આગમનને લગભગ સો દિવસ રહે છે, દિવાસો?
દક્ષિણાયનના આરંભ પછીની આ પ્રથમ પૂર્ણિમા હોય છે. એવી કથા છે કે ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ જ્યારે પોતાના ગુરૂ પ્રત્યેનો આદરભાવ, પૂજ્યભાવ પ્રકટ કરવા કરવા ની ઈચ્છા વ્યક્ત કરી તો વેદવ્યાસજીએ વર્ષના કોઈપણ એક દિવસને પસંદ કરી ઊજવવા કહ્યું. આથી ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ અષાઢી પૂર્ણિમાએ તેમનો જન્મ થયેલ હોવાથી તે દિવસ પસંદ કર્યો.અને આ રીતે ગુરૂ પૂર્ણિમાની ઊજવણી શરૂ થઈ.આ દિવસે શિષ્યો પોતાના ગુરૂને નમન કરે છે, પૂજા કરે છે, તથા ગુરૂદક્ષિણા અર્પે છે.
ગુરૂ શબ્દની વ્યૂત્પત્તિ ઘણી સરસ છે. સંસ્કૃતમાં ગુ અર્થાત અંધકાર અને રૂ અર્થાત પ્રકાશ. જે જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ લીવે છે તે ગુરૂ.
गुकारः अन्धकारस्तु रूकारस्तेजमुच्यते।
अन्धकार निरोधत्वात गुरूरित्यभिधीयते॥
અને જે આપણા જીવનનો અંધકાર દૂર કરે છે સ્વાભાવિક પણે જ આપણું મસ્તક ત્યાં નમે છે.
अज्ञानअन्धकारस्य ज्ञानांजनशलाक्या।
चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरूवे नमः॥
ગુરૂને આપણી પરંપરામાં બહુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. ''ગુરૂ વિના નહિ જ્ઞાન''. ગુરૂને સાક્ષાત ભગવાન સમાન ગણવામાં આવ્યા છે.
गुरूर्ब्रह्मा गुरूर्विष्णु गुरूर्देवो महेश्वरः।
गुरूर्साक्षात परःब्रह्म तस्मै श्री गुरूवे नमः॥
અરે કેટલાકે તો ગુરૂને હરિ કરતા પણ ઊંચુ સ્થાન આપ્યુ છે.
गुरू गोविंद दोनो खडे किसको लागु पाय
बलिहारी गुरू आपकी गोविंद दियो दिखाय।
ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે, આપણા દેશમાં. પણ જેમ બધે થાય છે તેમ તેમાં પણ લૂણો લાગ્યો, અને પાંખડીઓ જેમને બ્રહ્મનું જ્ઞાન ન હોય તેવા લોકો આંડબર અને બાહ્ય દેખાવથી ગુરૂ બની બેઠા.આવા ગુરૂ જેમને પોતાને જ્ઞાન નથી તેને ત્યાં શિષ્ય થઈને આવેલાને શું શીખવે?
જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
એવા ગુરૂ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર?
બીજા સઘળા આળપંપાળ, જે ધનને અર્થે માંડે જાળ;
તેથી કહો કો શું નીપજે, અખા અંતરમાં માયાને યજે?
અંતે ગુરૂ તો માર્ગ દેખાડે છે, જેના પર ચાલવાનં આપણે પોતે છે.
अप्प दीपो भव। તું જ તારો દીપક બન.
મુખવાસ: શું ગુગલ ગુરૂ ગણાય? ગુગલમાંથી માહિતી મળે છે અને જ્ઞાન એ માહિતી કરતા કઈંક વધુ છે.
Saturday, 1 July 2017
કરસનદાસ પે એન્ડ યુઝ
જો કોઈને જાહેરમાં સંડાસ જતા જુઓ તો કેવી લાગણી થાય એવી લાગણી થઈ ટૂંકમાં કહો તો જુગુપ્સાપ્રેરક નાકનું ટીચકું ચડે તેવી, ખાસ કરીને તેના કેટલાક સંવાદો સાંભળીને, જે સ્વાભાવિક રીતે જ કુદરતી હાજતને લગતા જ છે.આખરે ચિત્રપટનું (ફિલ્મનું you know!)નામ પણ એટલે જ કરસનદાસ રાખવામાં આવ્યું છે (કર સંડાસ).
સૌથી વિચારવા જેવી વાત મને ચિત્રપટના પાત્રોની પશ્ચાદભુમિ (Background) લાગી.
ચિત્રપટની નાયિકા જયા(જોકે તે પોતે પોતાના નામનો ઉચ્ચાર ઝઅયા એવો કરે છે) એક રિક્ષાચાલક (નામે ચીનુભા) ની પુત્રી છે, એની છ બહેનોમાં સૌથી મોટી. પુત્રી પોતે યુવાન થઈ ગયેલ છે, સૌથી નાની બેન ઘોડિયામાં ઝુલે છે, પણ એની મા સગર્ભા છે. આટલા સંતાનો હોવા છતા? કારણ સંતાન માં એક પુત્ર હોવો જોઈએ. પુત્ર માટેની કેવી ઘેલછા!!!! અરે તે પોતાની પત્નીને પડતી તકલીફ પર ધ્યાન નથી આપતો અને વટ ખાતર જાહેર શૌચાલયમાં નથી જવા દેતો ત્યારે નાયિકાના ''પપ્પા આ વખતે દીકરો હશે તો?'' એવા સવાલથી નરમ બની તે પત્ની ને જવા દે છે. અને આટલા લોકો રહે છે માત્ર એક રૂમના મકાનમાં.જેના એક ખૂણામાં રસોડું છે. એક ખાટલો ને એક ખુરશી છે. (જોકે મકાન શૌચાલય યુક્ત છે.)એક છોકરી છે જે સતત ખાવાનું માંગ્યા કરે અને એક સતત બારી પર ચડીને ઊભી હોય. ઘરમાં સતત કકળાટનું વાતાવરણ લાગે.
આવા જ નજીક નજીક આવેલા નાના નાના મકાનોની બનેલી આખી શેરી છે, શાસ્ત્રીનગર. જેમાં રહેતા લોકો નાની વાતમાં ઝઘડે છે, કોઈને જીવલેણ રીતે મારવુ સહજ છે. પોટલીઓમાં છુટથી મળતો દારૂ (ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, ઘણાના મતે પોલીસતંત્રની મીઠી નજર હેઠળ જ દારૂ બનાવવાનો અને વહેંચવાનો વ્યવસાય ચાલે છે) લાવે અને પીવે છે. આ ગુજરાતમાં આવી નાની નાની શેરીઓમાં રહેતા શ્રમજીવી લોકોનું નગ્ન સત્ય છે જે દિગ્દર્શકે આપણી આંખો સામે લાવીને મુક્યુ છે. એવા લોકો મેં જોયા છે કે જે દિવસના 300/-₹ કમાતા હોય તો એમાંથી 150-200/-₹ નો તો દારૂ જ પી જતા હોય, આમાં તેમની સ્થિતિ ક્યાંથી સુધરે, તેઓ બસ શારીરિક, માનસિક, આર્થિક ને સામાજિક રીતે ખુંવાર થતા જાય છે.
અને આ જ શેરીની સામે આવેલા જાહેર શૌચાલય 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં રહે છે નાયક તિલોક અને તેનો ભાઇ સુંદર. જેને નાયિકાનો પિતા તેના કામ માટે ધિક્કારે છે અને મારે છે, તેને ખરી ખોટી સંભળાવે છે. જેમાં સમાજની જાતિવાદી માનસિકતા ડોકિયુ કરતી હોય તેવુ લાગે. ''તારા જેવા ને અમારા વડવા ધોવા માટે રાખતા. તમારી જગ્યા ગામની બહારહ છે ઉકરડામાં''. આ સાંભળીને આમ જાણે કોઈએ જૂના ઘા ઉઘાડા કરીને મીઠું ભભરાવી દીધુ હોય એવુ લાગે. ગાંધીજી, આંબેડકર, હેડગેવારે તેમની પહેલાના પણ અનેક મહાન મનુષ્યોએ શરૂ કરેલા સામાજિક સમરસતાના આંદોલનને છેવાડે પહોંચવાને હજી વાર છે એવુ લાગે. સર્વ જીવમાં શિવ છે એવો મહાન મંત્ર આપનારી હિંદુ સંસ્કૃતિ ઉપર આ સામાજિક ભેદભાવનો ડાઘ દૂર કરવો જ રહ્યો.
જ્યારે નાયક આ વાતનો બદલો લેવા શાસ્ત્રીનગરની ગટર બંધ કરવા અંદર ઉતરે છે, ત્યારે તેનો નાનો ભાઈ સુંદર એને ધ્યાન રાખવાનું કહે છે, તો કાળુભા (બંને ભાઇઓનો હિતેચ્છુ) કહે છે ''યુદ્ધ કરવા થોડો જાય છે?'' અને સુંદર જવાબ વાળે છે ''મારો બાપો ગટરમાં જ મર્યો'તો.''એક નાનો એવો સંવાદ પણ એમાં સફાઇ કામદારો ખાસ કરીને જે ગટર સાફ કરનારા પણ જીવના જોખમે કેવી રીતે કામ કરે છે તે બતાવી દીધુ. ઘણી વાર આપણે છાપામાં વાંચીએ છીએ ''ગેસનો ચૂવાક થતા ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારોનુ ગુંગળામણથી મોત'' આપણા પર આ સમાચારો કદાચ કંઈ અસર કરતા નથી (અરે આ દેશના નેતાએ તો જવાનો ના મૃત્યુ પર ''તે તો મરવા માટે જ સેનામાં જોડાતા હોય છે'' એવુ નિવેદન આપેલ છે), પણ એક પરિવારે પોતાનો સભ્ય, સંતાનોએ પોતાની છત્રછાયા, પત્નીએ પોતાનો આધાર ગુમાવ્યો હોય છે.જવાબદાર કોણ? ખુદ સફાઈ કામદાર કે જે સુરક્ષા પ્રત્યે બેદરકાર છે, કે કોન્ટ્રાક્ટર જે સુરક્ષા સાધનો પાછળ ખર્ચ નથી કરવા માંગતો, કે સરકાર જે હોર્ડીંગો થકી સુરક્ષા સાધનોની જાહેરાત કરી ફરજનું ઈતિ સિદ્ધમ કરેછે કે સંવેદનહીન (કે પછી લાચાર?) સમાજ જેને આ મૃત્યુ કંઈ અસર નથી કરતા. એક સંવાદમાં આ હકીકત બહુ જ સરસ રીતે બતાવી છે.
જ્યારે સફાઈ કામદાર શાસ્ત્રીનગરનો બહિષ્કાર કરે છે, ત્યારે શાસ્ત્રીનગર પોતે જ ઉકરડામાં ફેરવાઇ જાય છે. રહેવાસીઓ નાક બગાડતા ફરે છે પણ કોઇપણ એ ગંદકી દૂર કરવાનું બીડુ ઝડપતુ નથી. ત્યારે સફાઈ કામદારનું મહત્વ સમજાય છે. જેમ શરીરમાં દરેક અંગનું પોતાનું મહત્વ હોય છે અને તેમના તાલમેલથી શરીર ચાલે છે તેમ સમાજના દરેક વિભાગનું પોતાનું આગવું મહત્વ છે અને તેઓ એકબીજાની સાથે તાલમેલ જાળવે તો જ સમાજ બરાબર ચાલે.
છેલ્લે નાયિકાની સગર્ભા માં નુ શું થયુ? ફરી વખત દીકરી,પણ ચીનુભા હિંમત હારતા નથી વર્ષ પછી બંને મા દીકરી સાથે જ ગર્ભવતી થાય છે કદાચ આ વખતે.........
મુખવાસ: તિલોક(ચીનુભા જાજરૂમાંથી બહાર આવે ત્યારે): વડીલ કેવું લાગ્યુ? મજા આવી ને?કંઈ તકલીફ?
ચીનુભા(હાથ છોડાવતા): અલ્યા પુછે તો એમ જાણે જમવા માટે બોલાવ્યા હોય.
Monday, 26 June 2017
INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE AND ILLICITE TRAFFICKING
The day is selected in the memory of dismantling of the opium trade in the China by Lin Zexu just before the opium war.
Drug abuse and drug trade is a menace in the world and even before 10 years the trade was around 322 billion $ a year, and add into that illicit trafficking of the females and child this is a real big parallel economy running at the cost of the lives of youth, female and children and ruining their lives. Many youth succumbing to and becoming addicted to the drugs which destroys not only their lives but also of their family. Drug abuse has multiple facets which includes social and political will to curb this menace, persons familial life and his psychological make-up.
This year's theme is - Listen First. Listening to your child and youth is first step to help them grow healthy and safe.
Listening - listening is an art. It is not an passive process as one may assume. It is an active process on the part of the listener. Listener should have some necessary qualities to become a successful listener. These qualities include Empathy, non - judgemental attitude, maintaining eye to eye contact. These make the talking person feel that he is being listened to and understood and the person feels emotionally secure as he or she knows that he can empty his feelings here. This is very important for the emotional growth of the person.
One has to look in to the eyes of the person while talking or listening. It is not that you are busy with your work in the computer or mobile , busy in the social media while your child comes to you to talk. We have to put aside all our work and give our child first priority. Look into their eyes and show them your attention that whatever he/she is going to talk is the most important thing in the world for you at the moment.
The most common mistake we make during conversation is being judgemental. This deters the children to talk with us so we have to keep ourselves non-judgemental. They don't need or deserve our criticism they just need to be understood to be listened to. But what we do? we become judge of their action or thoughts and advise them or criticise them regarding that. Because of this children starts hiding their feeling, thoughts or acts from their parents, family members. They are gravitated to peer groups where they feel like they are being accepted. And sometimes due to peer group pressure they are drawn to the drug abuse.
Also we have to show the empathy during listening. Empathy is like putting your feet into their shoes only then you know where it hurts. It's making them feel that you understand how they are feeling at the moment. This feeling of being understood provides them emotional security. They feel safe, they feel they are accepted. This gets rid of any guilt, anxiety, sadness or underlying anger. Listen to the one who is talking, repeat if necessary what you understood and ask whether you have understood properly about how he/she is feeling.
If we apply these principals in the communication with our family it'll certainly help to improve the family life. And usually these children, being emotionally healthy, are less likely to become victim of the drug abuse.
It is said that God has given us two ears but only one tongue, so that we speak less and listen more but generally we do the opposite. It's time that we listen to this advise.
crackers: Art of Listening is the only art of all that pleases the women and is key to the happy married life.
World Music Day
21 મી જુન ના મારા બ્લોગમાં એક વાત રહી જ ગઈ અને તે મને મારા મિત્ર એ પ્રશ્ન પૂછીને યાદ અપાવી, કે 21મી જુન ના દિવસે વિશ્વ સંગીત દિન પણ ઉજવવામાં આવે છે. તો ચાલો એ બહાને વિશ્વ સંગીત દિનની અને ભારતીય સંગીતની થોડીક વાત કરી લઈએ.
વિશ્વ સંગીત દિનની ઉજવણી ઈસવીસન 1982માં શરૂ થઇ, ફ્રાન્સમાં. તેનો શ્રેય જાય છે જેક લેન્ગને,જે તે સમયે ફ્રાન્સના સાંસ્કૃતિક બાબતોના મંત્રી હતા. એમણે જ્યારે એક અભ્યાસ માં જાણ્યું કે ફ્રાન્સમાં લગભગ દરેક બીજું બાળક કોઈને કોઈ સંગીતનું વાદ્ય વગાડી જાણે છે ત્યારે તેમને વિચાર આવ્યો જાહેરમાં લોકો એકઠા થઈ વાદ્યો વગાડે એક ઉત્સવ અને ઉમંગનું વાતાવરણ થાય.આજે 35 વર્ષે વિશ્વના લગભગ120 કરતા વધુ દેશોમાં આની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મફતમાં જાહેર પ્રજા માણી શકે તેવી રીતે સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સંગીત દિન ની વાત નીકળી છે એટલે સંગીત વિશે થોડી વાત કરી લઈએ.
સૌથી પહેલા તો સંગીતની ઉત્પત્તિ વિશે વાત કરીએ. બીજી ઘણી બધી વિદ્યાઓની ઉત્પત્તિની જેમ સંગીત વિદ્યાની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ થયેલ છે તેમ માનવામાં આવેલ છે.ભગવાન શંકરના વર્ણનમાં પણ ''કર ત્રિશુલ ડમરુધર'' તેવુ વર્ણન આવે છે.આમ જુઓ તો આપણા દ્વારા પુજવામાં આવતા દેવ-દેવીઓ ના હાથમાં કોઇ ને કોઇ વાદ્ય હોય છે મોટાભાગે, જેમકે મા સરસ્વતીના હાથમાં વીણા, ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી, દેવર્ષિ નારદના હાથમાં વીણા, તો ભગવાન ગણપતિ પખવાજ (મૃદંગ જેવુ સહેજ મોટા કદનું વાદ્ય) વાદનમાં નિષ્ણાત હતા. વળી ભારતીય પરંપરામાં એક મત પ્રમાણે નાદ દ્વારા જ જગતનો ઉદ્ભવ થયો છે એમ માનવામાં આવે છે અને ''नादैव ब्रह्म'', ''નાદ જ બ્રહ્મ છે એમ ગણાય છે. બાઈબલમાં પણ આમ કહેવાયેલ છે ''First there was only sound. The sound was with God and The sound was God.''સંગીતની શિક્ષામાં ઘણા સંગીત શિક્ષકો ૐકારની સાધનાને મહત્વ આપે છે, મેં ઝી ટીવી પર આવતા સારેગામપ કાર્યક્રમમાં મહાન ગાયિકા આશા ભોંસલેને એક સ્ત્રી સ્પર્ધકને તેની ગાયનકળા વધુ વિકસાવવા ૐકારની સાધના કરવાની સલાહ આપતા સાંભળેલ છે. સંગીતની આ દૈવી કળા માનવ પાસે આવી દેવર્ષિ નારદ દ્વારા (સંદર્ભ-નાટ્ય શાસ્ત્ર રચયિતા મુનિ ભરત). માણસોને લોભ અને મોહના પાશમાં બંધાયેલા ઈર્ષાથી ગ્રસિત જોઈને દેવોએ આ પગલુ ઉઠાવ્યુ.
વેદોમાં પણ સામવેદ એ ગાઈ શકાય તેવો વેદ છે જ્યારે કે તેનો ઉપવેદ ગાંધર્વવેદ સંગીતનો ગ્રંથ ગણાય છે.
સંગીતકળામાં ગાયન, વાદન અને નૃત્ય જેમાં ગાયન સૌથી શ્રેષ્ઠ ગણાયું છે. ગાયન ના આધારે વાદન અને વાદનના આધારે નૃત્ય થાય છે.
સૌ જાણે છે તેમ સંગીત સાત સુરોના આધારે રચાયેલુ છે, આ સ્વરો છે, સા (ષડજ), રે(ૠષભ), ગ(ગાંધાર), મ(મધ્યમ), પ(પંચમ), ધ(ધૈવત),નિ(નિષાદ).આ સાત સ્વરો પૈકી રે, ગ, ધ, નિ સ્વરો કોમળ થઈ શકે છે જ્યારે કે મ તીવ્ર થઈ શકે છે, પરંતુ સા અને પ અચળ રહે છે આમ કુલ 12 સ્વરો કે જે મંદ્ર, મધ્ય અને તાર એમ ત્રણ સપ્તકમા ગવાય છે અને સંપૂર્ણ સંગીતની રચના કરે છે. પંડિત વેંકટમણિની ગણના મુજબ આ 12 સ્વરો માંથી 72 થાટ (સ્વરોનો એવો સમુહ કે જેમાંથી રાગ ઉત્પન્ન થાય છે.) બને છે અને પ્રત્યેક થાટમાંથી 484 રાગ બની શકે છે. એટલે કે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં 484*72=34848 રાગની રચના શક્ય છે. અને એક એક રાગમાંથી બની શકતી અસંખ્ય રચનાઓને ધ્યાનમાં લો તો આપણુ ભારતીય સંગીત એક વિશાળ સાગર સમાન છે, જેમાં જેટલી વખત ડુબકી મારો એટલી વખત રસ ના અલગ અલગ મોતી મળે છે.
રાગ એટલે સ્વરોનો એવો સમુહ કે જે રસ ઉત્પન્ન કરે અને મનનું રંજન કરે. દરેક રાગનો પોતાનો ગાવા માટેનો એક આગવો સમય હોય છે જે સમયે તે વધુ મનોહર બને તો કેટલાક રાગ કોઇપણ સમયે ગાઇ શકાય તેવા હોય છે. દરેક રાગનો અલગ રસ હોય છે કોઇ શૃંગારરસ પેદા કરે છે તો કોઇ કરુણ કોઇ વીર તો કોઇ ભયાનક. વળી ગાયન વાદનમાં તાલનુ પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે. કદાચ એટલે જ અમુક સંશોધનોમાં જણાયુ છે કે જે બાળકોને નાનપણથી સંગીત શીખવવામાં આવે છે તેમું ગણિત ખુબ સારુ થાય છે.
સંગીતની અસર માત્ર માનવ મન પર જ થાય છે એવુ નહિ પણ પશુઓ અને પ્રકૃતિ પર તથા જડ પદાર્થો પર પણ થાય છે એમ કહેવાય છે.આ અંગે ની કેટલીક કિવદંતીઓ પ્રચલિત છે. કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબરે પોતાના દરબારના મહાન ગાયક તાનસેન ને પૂછ્યું કે શું સાચે જ દીપક રાગ ગાવાથી અગ્નિ પ્રકટાવી શકાય છે? અને તાનસેન દ્વારા તેનો જવાબ હામાં વાળવામાં આવતા અકબરે તેને તે પુરવાર કરવાનું કહ્યું. ભર્યા દરબારમાં રાત્રિના સમયે તાનસેને દીપક રાગ છેડ્યો, અને દીવાઓ પ્રજ્જ્વલિત થઈ ઉઠ્યા. અકબરે ખુબ ખુશ થઇ તાનસેનને ઘણી ભેટ આપી સન્માનિત કર્યો, પરંતુ આ રાગ ગાવાના કારણે તેના શરીરમાં દાહ ઉઠ્યો જે કંઈ પણ કરતા શમતો ન હતો. તેણે જાણ્યું કે દીપક રાગ ગાવાના કારણે શરીરમાં થતો દાહ તો જ શમે જો કોઈ જાણકાર મલ્હાર રાગ ગાય અને તેના કારણે થયેલ વરસાદનું પાણી પીવામાં આવે તો આ દાહ શમે. તાનસેને આવા ગાયકની શોધ આદરી અને તેની શોધ પુરી થઇ ગુજરાતમાં. ગુજરાતના વડનગર ખાતે રહેતી તાના-રીરી નામની બે બહેનોએ મલ્હાર રાગ ગાઈને વાદળા વરસાવ્યા અને તે જળ પી ને તાનસેનનો દાહ દુર થયો. આજે આ બે બહેનોની યાદમાં વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી ઉત્સવ ઉજવવામાં આવે છે જેને શરુ કરવાનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે.
તાનસેનની વાત નીકળી છે તો બૈજુ બાવરાને યાદ કર્યા વગર કેમ ચાલે? કહે છે કે તાનસેનને પોતાની સંગીત વિદ્યાનું એટલુ ઘમંડ થઇ ગયુ હતુ કે કોઇપણ ગાયક ને તે સ્પર્ધા કરવાનો પડકાર ફેંકતો અને હારનાર ને સજા થતી.આવી જ એક સ્પર્ધા દરમિયાન બૈજુના પિતા હારી જતા તેને દેહાંત દંડની સજા થઈ. તેના આ અત્યાચારથી લોકો સંગીત શીખતા ડરવા લાગ્યા ત્યારે બૈજુ બાવરાએ તેને પડકાર ફેંક્યો. જ્યારે બન્ને વચ્ચે સ્પર્ધા થઈ ત્યારે તાનસેને મૃગરંજની રાગ છેડ્યો જેનાથી આકર્ષાઈને હરણ તેની પાસે ટોળે વળ્યા અને તેણે દરેક હરણના ગળામાં એક ફુલોની માળા પહેરાવી દીધી. પછી તેણે ગાયન બંધ કરતા જ બધા હરણ ત્યાંથી ભાગી ગયા. તાનસેને બૈજુને તે બધી માળાઓ પાછી લાવવાનૌ પડકાર ફેંક્યો, બૈજુએ પણ રાગ છેડ્યો અને તે રાગના સંમોહન હેઠળ બધા હરણ ફરીવાર ત્યાં આવ્યા અને બૈજુએ દરેક માળાઓ પાછી મેળવી. ત્યારબાદ બૈજુએ જે રાગ ગાયો તેના કારણે તે જે શિલા પર બેઠો હતો તે પીગળવા મંડી અને જ્યારે તેનો કંઠ સુધી તે શિલામાં ધસી ગયો ત્યારે તેણે ગાયન બંધ કર્યું અને તાનસેનને પડકાર ફેંક્યો પોતાને મુક્ત કરવાનો. તાનસેને પોતાની અસમર્થતા સ્વીકારી હાર માની લીધી અને બૈજુએ સ્વયં પોતાની જાતને મુક્ત કરી. તેણે તાનસેનને દેહાંત દંડની સજા ન અપાવતા માફ કર્યો અને સંગીત જેવી દૈવી વિદ્યાનો આવી રીતે અનાદર ન કરવા કહ્યું.
સંગીતની આવી તો અનેક કથાઓ છે જે ખુટે તેમ નથી. હાલના સમયમાં સંગીતનો ચિકિત્સા ક્ષેત્રે ઉપયોગ થાય છે. કેટલાક સંશોધનોમાં જણાયુ છે કે વૃક્ષો આગળ સંગીત વગાડવાથી તેમનો સારો વિકાસ થાય છે.તો આવો સંગીતના સાગરમાં ડુબીને જીવન સંગીતમય બનાવીએ.
ટુચકો- ગુજરાતીના મહાન હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેના ઘરે રાખેલ ઉજાણી માં આવેલ મહેમાનો પૈકી એકે એમને ઘરમાં પડેલા સિતાર સામે આંગળી ચીંધીને કહ્યુ ''તમને ખબર છે આના તાર બકકીના આંતરડામાંથી બનાવવામાં આવે છે?'' જ્યોતિન્દ્ર દવે એ જવાબ વાળતા કહ્યું'' એટલે જ જ્યારે તમે તે વગાડતા હો છો ત્યારે કોઈની આંતરડી કકળતી હોય તેવું લાગે છે.''
Wednesday, 21 June 2017
21st June
આજે 21મી જુન. વિશ્વના વર્ષ દરમિયાન આવતા 4 અગત્યના દિવસો પૈકીનો એક દિવસ.
અનંત વર્ષોથી દર વર્ષે સૂર્ય પૃથ્વીની ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર તરફ નો પોતાનો પ્રવાસ અવિરતપણે કરતો રહ્યો છે (અલબત્ત પૃથ્વીની સાપેક્ષમાં વાસ્તવમાં નહી). સૂર્યના આ પ્રવાસને આપણે અનુક્રમે દક્ષિણાયન અને ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ (અયન એટલે જે તે દિશા તરફની ગતિ).અને આ પ્રવાસનો અગત્યનો પડાવ એટલે 21 મી જુન.સૂર્યના ઉત્તર દિશા તરફના પ્રવાસનો છેલ્લો દિવસ, અને તેથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસનારા લોકો માટે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, સાથે જ દક્ષિણ ગોળાર્ધવાસીઓ માટે વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ પણ ખરો.હવેથી સૂર્ય દક્ષિણ દિશા તરફનો પોતાનો પ્રવાસ આરંભશે (દક્ષિણાયન) અને તેથી ઉત્તર ગોળાર્ધવાસીઓ માટે દિવસની લંબાઈ ક્રમશ: ઘટતી જાશે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વધતી જાશે.
સૂર્યની આ યાત્રા પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધને મળતા પ્રકાશ, ગરમીનું અને તે દ્વારા ૠતુઓનુ નિર્ધારણ કરે છે.
સૂર્ય ની આ યાત્રા દરમિયાન 4 અગત્યના પડાવ આવે છે.
(1) 21 મી જુન. ઉત્તરાયનનો અંતિમ દિવસ જેને અંગ્રેજીમાં summer solstice તરીકે ઓળખવામા આવે છે.
(2) 23 મી સપ્ટેમ્બર. શરદ સંપાતનો દિવસ. નામ મુજબ આ દિને દિવસ અને રાતનો સમય એકસરખો હોય છે. જેને અંગ્રેજીમાં Equinox કહે છે.
(3) 22 મી ડિસેમ્બર. ઉત્તરાયણનો આરંભ. 21મી ડિસેમ્બરે દક્ષિણાયનનો અંતિમ દિવસ તેથી સૌથી ટૂંકો દિવસ જેને અંગ્રેજીમાં winter solstice કહે છે.
(4) 23મી માર્ચ. વસંત સંપાતનો દિન. દિવસ અને રાત એકસરખા. spring equinox
સદગુરૂ જગ્ગી વાસુદેવ અનુસાર આ જ દિવસે આદિયોગી યોગીશ્વર ભગવાન શિવે સપ્તર્ષિઓને જ્ઞાન પ્રદાન કરેલ.
આ દિવસ ભારત માટે રાજકીય રીતે ઘણો મહત્વનો છે. આ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ હેડગેવારે આ દુનિયામાંથી વિદાય લીધેલ. પરંતુ તે પહેલા તેમણે એક એવી સંસ્થા સ્થાપી જે કદાચ વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા હશે. એવી સંસ્થા કે જેણે લોકોમાં દેશસેવાની ભાવના પેદા કરી, જેણે હિન્દુ સમાજમાં સમાનતા માટેનું ઊંચ-નીચની ભાવના દૂર કરવાનો પ્રયાસ કર્યો. આજે પણ કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિના સમયમાં રા.સ્વ.સં. ના સ્વયંસેવકો સેવામાં તત્પર જોવા મળતા હોય છે.
આ જ દિવસે ભારતને એવા વડાપ્રધાન મળ્યા કે જેણે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતને મુક્ત અર્થતંત્ર બનાવવાના ક્રાંતિકારી પગલા લીધા, પી. વી. નરસિંહ રાવ.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેના ત્રણ વર્ષ પહેલા બેંગાલૂરુ ખાતે યોગાચાર્યોની બેઠક મળેલ અને તેમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવેલ કે યોગની ઉજવણી માટે એક વિશ્વ યોગ દિવસ હોવો જોઈએ., પરંતુ તેમની આ ઈચ્છા ફળીભુત થઈ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ. 27 મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બોલતા તેમણે જણાવ્યુ કે 'યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની માનવજાતને એક અમૂલ્ય ભેટ છે.' અને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે તેવો પ્રસ્તાવ મુક્યો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તે અંગે અનૌપચારિક ચર્ચા શરૂ કરાઈ અને જ્યારે 11 ડિસેમ્બર 2014 ના રોજ અશોક મુખર્જી દ્વારા જ્યારે વિશ્વ યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો ત્યારે 177 દેશો તરફથી તેને ટેકો મળ્યો અને તે આ દિવસની ઉજવણી ના સહ-પ્રાયોજક બન્યા, જે અત્યાર સુધીમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા પસાર કરવામાં આવેલ કોઈપણ ઠરાવ પૈકી સૌથી વધુ છે. આટલી મોટી સંખ્યામાં દેશો દ્વારા કોઈી ઠરાવને સમર્થન મળ્યુ હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો અને વિના મતે આ ઠરાવ પસાર થયો જે ભારત દેશ માટે આપણી પ્રાચીન સભ્યતા માટે ગર્વની વાત છે. યોગને વિશ્વ ફલક પર મુકવા માટે નરેન્દ્ર મોદી ધન્યવાદને પાત્ર છે.
પણ સાથે સાથે માનવ જાત ૠણી રહેશે મહર્ષિ પતંજલિની કે જેણે અત્યંત પ્રાચીન યોગવિદ્યાને સૂત્રબદ્ધ કરી આ અમુલ્ય વારસો માનવજાતને સોંપ્યો અને અસંખ્ય જાણ્યા અજાણ્યા યોગસાધકો અને યોગાચાર્યોનો જેમણે આ જ્ઞાનગંગાને વહેતી રાખી. આવો આજે તેમને સહુને નમન કરી આ યોગરૂપી ગંગામાં સ્નાન કરીએ, નિત્ય કરીએ અને તનથી તથા મનથી સ્વસ્થ રહીએ.