Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Showing posts with label Guru Purnima. Show all posts
Showing posts with label Guru Purnima. Show all posts

Tuesday, 11 July 2017

ગુરૂ પૂર્ણિમા

        હમણાંજ અષાઢી પૂર્ણિમા ગઈ. ભારતવર્ષમાં તથા દુનિયાભરમાં વસતા ભારતીયો દ્વારા તેની ગુરૂ પૂર્ણિમા તરીકે, કયાંક વ્યાસ પૂર્ણિમા તરીકે પણ, ઉજવણી થાય છે.
        હવેથી શરૂ કરીને દિવાળીના મહાપર્વના આગમનને લગભગ સો દિવસ રહે છે, દિવાસો?
        દક્ષિણાયનના આરંભ પછીની આ પ્રથમ પૂર્ણિમા હોય છે. એવી કથા છે કે ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ જ્યારે પોતાના ગુરૂ પ્રત્યેનો આદરભાવ, પૂજ્યભાવ પ્રકટ કરવા કરવા ની ઈચ્છા વ્યક્ત કરી તો વેદવ્યાસજીએ વર્ષના કોઈપણ એક દિવસને પસંદ કરી ઊજવવા કહ્યું. આથી ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ અષાઢી પૂર્ણિમાએ તેમનો જન્મ થયેલ હોવાથી તે દિવસ પસંદ કર્યો.અને આ રીતે ગુરૂ પૂર્ણિમાની ઊજવણી શરૂ થઈ.આ દિવસે શિષ્યો પોતાના ગુરૂને નમન કરે છે, પૂજા કરે છે, તથા ગુરૂદક્ષિણા અર્પે છે.
        ગુરૂ શબ્દની વ્યૂત્પત્તિ ઘણી સરસ છે. સંસ્કૃતમાં  ગુ અર્થાત  અંધકાર અને રૂ અર્થાત પ્રકાશ. જે જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ લીવે છે તે ગુરૂ.
          गुकारः अन्धकारस्तु रूकारस्तेजमुच्यते।
         अन्धकार निरोधत्वात गुरूरित्यभिधीयते॥
        અને જે આપણા જીવનનો અંધકાર દૂર કરે છે સ્વાભાવિક પણે જ આપણું મસ્તક ત્યાં નમે છે.
          अज्ञानअन्धकारस्य ज्ञानांजनशलाक्या।
          चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरूवे नमः॥
        ગુરૂને આપણી પરંપરામાં બહુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. ''ગુરૂ વિના નહિ જ્ઞાન''. ગુરૂને સાક્ષાત ભગવાન સમાન ગણવામાં આવ્યા છે.
          गुरूर्ब्रह्मा गुरूर्विष्णु गुरूर्देवो महेश्वरः।
        गुरूर्साक्षात परःब्रह्म तस्मै श्री गुरूवे नमः॥
        અરે કેટલાકે તો ગુરૂને હરિ કરતા પણ ઊંચુ સ્થાન આપ્યુ છે.
       गुरू गोविंद दोनो खडे किसको लागु पाय
     बलिहारी गुरू आपकी गोविंद दियो दिखाय।
        ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે, આપણા દેશમાં. પણ જેમ બધે થાય છે તેમ તેમાં પણ લૂણો લાગ્યો, અને પાંખડીઓ જેમને બ્રહ્મનું જ્ઞાન ન હોય તેવા લોકો આંડબર અને બાહ્ય દેખાવથી ગુરૂ બની બેઠા.આવા ગુરૂ જેમને પોતાને જ્ઞાન નથી તેને ત્યાં શિષ્ય થઈને આવેલાને શું શીખવે?
પોતે ન જાણે હરિને લેશ, અને કાઢી બેઠો ગુરૂનો વેશ!
જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
એવા ગુરૂ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર?
        પણ આજના જમાનામાં તો આવા ગુરૂઓની ભરમાર છે ને સાચા ગુરૂ ગોતવા એ લોઢાના ચણા ચાવવા જેવુ કામ થઈ પડે તેમ છે.
સાચો ગુરૂ જાણજે જુક્ત, જે કનક-કામિની નોહે આસક્ત;
બીજા સઘળા આળપંપાળ, જે ધનને અર્થે માંડે જાળ;
તેથી કહો કો શું નીપજે, અખા અંતરમાં માયાને યજે?
        આવા ગુરૂ પોતે તો ડુબે છે પણ પોતાના શિષ્યને પણ ડૂબાડે છે.આવા ગુરૂથી સમજીને દૂર રહીએ એમાં જ આપણું શ્રેય છે.
        અંતે ગુરૂ તો માર્ગ દેખાડે છે, જેના પર ચાલવાનં આપણે પોતે છે.
          अप्प दीपो भव। તું જ તારો દીપક બન.
મુખવાસ: શું ગુગલ ગુરૂ ગણાય? ગુગલમાંથી માહિતી મળે છે અને જ્ઞાન એ માહિતી કરતા કઈંક વધુ છે.