આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ નારાયણ, જેઓ અંગ્રેજી સરકાર ના દમન સામે લડ્યા હતા અને ફરીવાર ઈન્દિરા ગાંધી સરકાર ના દમન સામે લડ્યા. દુર્ભાગ્યે દમનકારી લોકોને ભારતરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે અને આવા સાચા રત્નો વંચિત રહી ગયા હતા. છેક ૧૯૯૯ માં વાજપેયી સરકારે જયપ્રકાશ નારાયણને ભારતરત્ન પુરસ્કાર આપ્યો હતો.
ઘણા લોકો આપણી સ્વતંત્રતા ટકાવી રાખવા લડ્યા, બલિદાન આપ્યું, અને આ મહામૂલી સ્વતંત્રતાને પાછી મેળવી.
આજનો દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવો જોઈએ પણ કમનસીબે તે એક સામાન્ય દિવસ બનીને રહી ગયો છે. આજનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ જે સ્વતંત્રતા માટે આટલા બલિદાન આપેલા છે તે ગમે ત્યારે આપણી પાસેથી છીનવાઇ શકે છે, તે આપણી પાસેથી પણ બલિદાનો માંગી શકે છે.આજનો દિવસ હંમેશા યાદ રાખવો જોઈએ અને ઉજવવો જોઈએ.
જય હિન્દ.
Featured post
૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ
આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...
Thursday, 21 March 2019
૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ
Monday, 11 March 2019
ગુજરાતી મહિના
હમણાં જ ફાગણ પર લખ્યું તો મનમાં થયું કે ગુજરાતી મહિનાની રચના વિશે કંઈક લખું.
આપણે સહુ જાણતા જ હોઇશું કે ગુજરાતી મહિના, ભારતીય પંચાંગ, ચંદ્ર ની આકાશી ગતિ પર આધારિત, ચાંદ્ર પંચાંગ છે. પંચાંગ એટલે પાંચ અંગ, અને તેના પાંચ અંગો છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ.
આકાશમાં કુલ મળીને ૨૭ નક્ષત્ર હોય છે, જેના નામ છે: (૧) શ્રવણ (૨) પુષ્ય (૩) અશ્વિની (૪) મૃગશીર્ષ (૫) અનુરાધા (૬) રેવતી (૭) હસ્ત (૮) પુનર્વસુ (૯) સ્વાતિ (૧૦) ભરણી (૧૧) રોહિણી (૧૨) પૂર્વાષાઢા (૧૩) પૂર્વાફાલ્ગુની (૧૪) પૂર્વાભાદ્રપદા (૧૫) ઉત્તરાફાલ્ગુની (૧૬) ઉત્તરાષાઢા (૧૭) ઉત્તરાભાદ્રપદા (૧૮) આર્દ્રા (૧૯) મુળ (૨૦) વિશાખા (૨૧) કૃત્તિકા (૨૨) મઘા (૨૩) ચિત્રા (૨૪) ધનિષ્ઠા (૨૫) શતભિષા (૨૬) જ્યેષ્ઠા (૨૭) આશ્લેષા. પુરાણોમાં આ ૨૭ નક્ષત્રોને ચંદ્રની ૨૭ પત્નીઓ, દક્ષ પ્રજાપતિની પુત્રીઓ, તરીકે વર્ણવવામાં આવી છે, અને ચંદ્ર પોતાની દરેક પત્ની સાથે લગભગ એક દિવસ જેટલો સમય પસાર કરી ૨૭ દિવસમાં પુરૂં નક્ષત્ર વૃત ફરી વળે છે.
આ ૨૭ નક્ષત્ર ના નામ વાંચીને ગુજરાતી મહિનાઓના નામ સાથેનું સામ્ય તરત જ નજરે ચડશે, પણ એની વાત કરીએ તે પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં આવતી એક ખાસ પ્રકારની શબ્દરચના, અપત્યદર્શક શબ્દો, અંગે વાત કરી લઈએ.
અપત્ય એટલે સંતાન, પુત્ર હોય કે પછી પુત્રી. સંસ્કૃત ભાષામાં, માતા કે પિતા ના નામ પરથી સંતાનના નામકરણ ની એક ખાસ વ્યાકરણની પદ્ધતિ છે જેને અપત્યદર્શક નામ કહેવાય છે. જેમકે માતા અંજનીના પુત્ર હોવાથી હનુમાનજી ને આઞ્જનેય કહેવાય છે, તો વળી મરુતના પુત્ર હોવાથી મારુતિ પણ કહેવાય છે; વસુદેવજી ના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ને વાસુદેવ કહેવામાં આવે છે, તો કુન્તી પુત્ર અર્જુનને કૌન્તેય કહેવાય છે. વળી એ જ માતા કુંતી નું બીજું નામ પૃથા હોવાથી આ પૃથાપુત્ર અર્જુન પાર્થ એવા નામથી ઓળખાય છે, અને એ પાંડુ પુત્ર હોવાથી પાંડવ પણ કહેવાય છે. આ જ રીતે કુરુ ના વંશજો કૌરવો, ભરતની સંતાન ભારત, જહ્નુ ઋષિની પુત્રી જાહ્નવી, પૃથુ રાજાની પુત્રી પૃથ્વી કહેવાય છે. છ કૃતિકાઓ ના પુત્ર હોવાથી ભગવાન સ્કંદ કાર્તિકેય કહેવાય છે.
હવે આટલી પૃષ્ઠભૂમિકા પછી આપણે ગુજરાતી મહિનાઓના નામકરણ નો નિયમ જાણીએ. પૂર્ણિમા ના દિને ચંદ્ર જે નક્ષત્ર માં હોય, તે નક્ષત્ર ના નામ પરથી અપત્યદર્શક નામ બનાવી, જે તે મહિના નું નામકરણ કરાયું છે.
આમ ૧૨ મહિનાના નામ છે:
(૧) કૃતિકા નક્ષત્ર - કાર્તિક - કારતક
(૨) મૃગશીર્ષ નક્ષત્ર - માર્ગશીર્ષ - માગશર
(૩) પુષ્યનક્ષત્ર - પૌષ - પોષ
(૪) મઘા નક્ષત્ર - માઘ - મહા
(૫) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર - ફાલ્ગુન - ફાગણ
(૬) ચિત્રા નક્ષત્ર - ચૈત્ર
(૭) વિશાખા નક્ષત્ર - વૈશાખ
(૮) જ્યેષ્ઠા નક્ષત્ર - જ્યેષ્ઠ - જેઠ
(૯) પૂર્વાષાઢા નક્ષત્ર - અષાઢ
(૧૦) શ્રવણ નક્ષત્ર - શ્રાવણ
(૧૧) પૂર્વાભાદ્રપદા નક્ષત્ર - ભાદ્રપદ - ભાદરવો
(૧૨) અશ્વિની નક્ષત્ર - અશ્વિન - આસો
આમ ભારતીય પંચાંગ માં મહિના એ ચંદ્ર અને નક્ષત્ર ની સંતાનો છે.
Saturday, 9 March 2019
ફાગણ
ફાગણ આવ્યો, મારા આંગણે રંગ લાવ્યો
યુનાઈટેડ વે બરોડા ના ગરબામાં આ ગીત સાંભળ્યું છે અને આ ગીત પર ઘુમ્યા અને ઝુમ્યા પણ છીએ. ફાગણની મસ્તી ને આ ગીતમાં આબાદ રીતે ઝીલી લેવામાં આવી છે.
ફાગણ એટલે રંગોનો મહિનો. ફાગણ એટલે આનંદ ઉત્સાહ અને ઉમંગ નો મહિનો. ફાગણ મહિનામાં વાસંતી વાયરા વાય છે અને આખી સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠે છે. વૃક્ષો પર નવી કૂંપળો ફૂટી નીકળે છે અને નવા પર્ણ આવે છે, પુષ્પો ખીલે છે, ધરતી સોળ શણગાર સજીને નીકળેલી કોઈ નવોઢા જેવી લાગે છે. આખી દુનિયા રંગબેરંગી બની જાય છે.
પણ આ રંગબેરંગી વૃક્ષોમાં સૌથી વધુ જો કોઈ અલગ તરી આવતું હોય તો તે પલાશ. એને ખાખરા ના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાગણ માં આખું વૃક્ષ કેસુડાના ફૂલ થી છવાઈ જાય છે અને આંખોને ઉડીને વળગે છે. રાજપીપળા ખાતે ના જંગલો માં તેના ઘણા વૃક્ષો જોયા છે અને જ્યારે ઝુંડમાં આ વૃક્ષો હોય ત્યારે જંગલનો એ ભાગ ભડકે બળી ઉઠ્યો હોય એવો છતાં પણ અતિ સુંદર ભાસે છે. મહાભારતકારે યુદ્ધમાં ઘવાયેલા, લોહી નીતરતા અભિમન્યુ ને કેસુડાના ફૂલોથી ખીલી ઊઠેલા પલાશના વૃક્ષ સાથે સરખાવ્યો છે. આખરે આ કેસરી રંગ શૌર્યનો રંગ પણ છે, યુદ્ધમાં લડવા નીકળેલા સૈનિકો માટે કેસરિયા કરવા નીકળ્યા છે એવું કહેવાય છે.
જ્યારે આખી સૃષ્ટિ રંગોથી રંગાઇ ગઇ હોય ત્યારે માણસ પણ કેવી રીતે તેમાંથી બાકાત રહી શકે. હોળી પછીના દિવસે, કેસુડો, અબીલ, અને ગુલાલ ના રંગોથી સહુ એકબીજાને રંગી દે છે. (હવે તો ઘણીવાર કાદવ અને કૃત્રિમ રાસાયણિક રંગોથી) ગીત ગાતાં ગાતાં સંગીત વગાડતા, નાચતા, રંગ ભરેલા પાણીની પિચકારીથી એકબીજાને રંગતા સહુ આનંદમાં ઝુમી ઉઠે છે.
વડોદરા ની લગભગ દરેક ધુળેટી મેં મારા મિત્રો કનુ અને જસ્મિનની સોસાયટીમાં ઉજવી છે, આખરે મિત્રો અને પરિવાર જ ઉત્સવને ઉત્સવ બનાવે છે.