Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Monday 17 July 2017

MOM

        ગઈ કાલે 'મોમ' જોયું. શ્રીદેવીના તથા તેની દીકરી બનેલ અભિનેત્રી સજલ અલીના ઉત્કૃષ્ટ અભિનય, મજબૂત પટકથા તથા પાત્રાલેખનને કારણે એક ખુબજ જોવાલાયક ચલચિત્ર આપણને મળ્યું છે. ઘણી બધી બાબતો આમાં ખુબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે.
        દેવકી (શ્રીદેવીના પાત્રનું નામ), આર્યાની સાવકી મા હોય છે. આવા પરિવારને નીઓ-ટ્રેડિશનલ સ્ટેપ ફેમિલી કહેવાય. દેવકી આર્યાને પ્રેમપૂર્વક અપનાવે છે પોતાની દીકરી ગણીને જ પ્રેમ આપે છે, પરંતુ આર્યા દેવકીને હંમેશા મે'મ કહીને જ બોલાવે છે(દેવકી તેની શાળામાં શિક્ષિકા હોય છે) મોમ નહી. તે પોતાના પિતા સાથે જ બધી વાત કરે છે અને દેવકી તે વાતમાં વચ્ચે પડે તેનો અણગમો તે હંમેશા વ્યક્ત કરે છે. તેને એવું લાગે છે કે તેના પિતા તેની માતાને ભુલી ગયા છે અને તેથી તે બીજી સ્ત્રીને ઘરે લઈ આવ્યા છે. જો તેના પિતા દેવકી ને મે'મ કહેવા બાબતે ટકોર કરે તો તે ગુસ્સે ભરાઈ જમવાનું છોડી ચાલી જાય છે. જો કે તે પોતાની સાવકી બહેન ને અપનાવી લે છે પણ દેવકીને પોતાની મા તરીકેનું સ્થાન નથી આપતી અને વાતચીતમાં પણ તે દેવકીને કહે છે કે ''તમે એમને કીધુ નહિ કે હું તમારી દીકરી નથી.''
        એક બાળકના જીવનમાં તેની માંના અવસાન પછી જો કોઈ બીજી સ્ત્રી અપર મા બની આવે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે, તે બાળકના માનસમાં જે ઉથલપાથલ થાય છે, સંબંધોના જે નવા તાણાવાણા રચાય છે અને જે સંઘર્ષ થાય છે તે આ ચલચિત્રમાં સુંદર રીતે દર્શાવ્યું છે. સામાન્ય રીતે સાવકી મા અને પહેલી પત્નીના સંતાનો વચ્ચે મધુર સંબંધ રહેવા અઘરા છે.જેમાં બેમાંથી કોઈ એક અથવા બંને પક્ષો એકબીજાને સ્વીકારવા તૈયાર હોતા નથી. પણ જેમ દેવકીનું પાત્ર કહે છે તેમ ''આર્યાને સમજાવવાની નહિ સમજવાની જરૂર છે'', તેવો અભિગમ જો દાખવવામાં આવે તો શક્યતા રહે છે કે એક સ્વસ્થ સંબંધ બને.
        આર્યા પર બળાત્કાર થાય છે. મોડી રાત્રે વેલેન્ટાઈન દિવસની પાર્ટીમાં તેની સાથે ભણતા છોકરા મોહિતના ડાન્સના પ્રસ્તાવને તે નનૈયો ભણે છે, મોહિત નો પિતરાઈ ભાઈ ચાર્લ્સ  તેને પૂછે છે કે શું તને એ છોકરી જોઈએ છે? આ સવાલ આવા પુરુષોના મનમાં સ્ત્રી પ્રત્યે રહેલી માનસિકતા દર્શાવે છે. આવા પુરુષો માટે સ્ત્રી કોઈ વ્યક્તિ નહિ સંભોગ, સેક્સ માટેનું રમકડુ છે. જેને પટાવવાની હોય અને જો પટે નહિ તો બળાત્કાર કરીને રસ્તામાં ક્યાંક ફેંકી દેવાની હોય. તેની કોઈ સ્વતંત્ર ઈચ્છા ન હોઈ શકે, તે પુરુષને ના ન કહી શકે, તેણે તો માત્ર તાબે જ થવાનું હોય સ્વેચ્છાએ, નહિ તો બળજબરીપુર્વક. વળી બીજો બળાત્કારી વ્યક્તિ દારૂના નશામાં બોલે છે ''સ્ત્રી તરીકે જન્મ મેળવવા એક જ જન્મ પુરતો છે પણ પુરુષ તરીકે જન્મ મેળવવા 1008 જન્મ લેવા પડે'' સ્ત્રી તો નીચી પાયરીની છે એનું મહત્વ પુરુષ કરતા નીચે જ હોય એ માનસિકતા અહીં ડોકિયું કરે છે. અને જેનો દરજ્જો નીચો હોય તે ના કેવી રીતે પાડી શકે? ભલે ને પછી તે માંગણી શારીરિક સંબંધ માટેની કેમ ન હોય?
        જ્યારે આર્યા મોહિતને ના પાડે છે તો ચાર્લ્સ બેહોશીની દવા પીણાંમાં ભેળવીને આર્યાને પ્રસ્તાવ કરે છે, આ રીતને ડેટ રેપ કહે છે જેમાં સામાન્ય રીતે છોકરીનો બોયફ્રેન્ડ આવું નશીલું પીણું પીવડાવીને છોકરીની સાથે શારીરિક સંબંધ બાંધે છે. દવાની અસર હેઠળ હોવાથી છોકરી તેનો વિરોધ કરી શકતી નથી.અમેરિકાના આંકડા અનુસાર દર છ માંથી એક છોકરી આવા ડેટ રેપનો શિકાર બને છે. અને પાંચમાંથી બે છોકરા જો તક મળે તો ડેટ રેપ કરવા માંગતા હતા. આ પ્રકારે બળાત્કારનો શિકાર બનેલી સ્ત્રીઓ ફરિયાદ કરે તેવી સંભાવના બળાત્કારનો ભોગ બનેલ અન્ય સ્ત્રીઓની સરખામણીમાં ઓછી હોય છે.  હવે ભારતમાં ખાસ કરીને મહાનગરોમાં ડેટ કલ્ચર વિકસી રહ્યું હોઈ આવા બનાવો વધવાની સંભાવના છે.
        જોકે આર્યા ચાર્લ્સનો પ્રસ્તાવ ઠુકરાવી દે છે અને તેથી તે ગુસ્સામાં આવી જાય છે અને વળી તે દારૂનું સેવન કરી રહ્યો હોય છે. બળાત્કારના ઘણા કિસ્સાઓમાં બળાત્કારી પુરુષ દારૂના નશામાં હોય છે. અને બળાત્કારી ઘણીવાર બળાત્કાર એક સજા સ્વરૂપે,પોતાનો ગુસ્સો જેના કારણે આવ્યો તે સ્ત્રી પર કરતો હોય છે.
ગુસ્સો, દારૂનું સેવન અને સ્ત્રીઓ પ્રત્યે એક ચીજવસ્તુની, માલિકીપણાની ભાવના આ બધુ ભેગુ મળે છે ને આર્યા પર બળાત્કાર થાય છે. તે પાર્ટીમાંથી બહાર નીકળતી હોય છે ત્યારે તેને ઉઠાવી લેવાય છે અને ચાલુ ગાડીએ તેના પર ચાર પુુરુષો દ્વારા બળાત્કાર થાય છે.તેને એટલો માર મરાય છે કે તે જીવલેણ સ્થિતિમાં પહોંચી જાય છે. આ એક પ્રકારનું સેડીઝમ કહી શકાય જેમાં સામી વ્યક્તિને પીડા પહોંચાડવાથી આનંદ મળે છે.
        પણ બળાત્કાર માત્ર સ્ત્રીના શરીર પર જ નહિ મન પર પણ મોટો ઘા કરી જાય છે. બહુ જ ઓછી સ્ત્રીઓ બળાત્કારની ઘટનામાંથી સંપૂર્ણ સ્વસ્થ બનીને બહાર નીકળી શકે છે ને સામાન્ય જીવન જીવી શકે છે. બળાત્કારના સમયે અનુભવાયેલી અસહાયતાની ભાવના તેનો પીછો નથી છોડતી. એ ડરામણા દ્રશ્યો તેના માનસપટની સામે આવ્યા જ કરે છે. એ ને પોતાનું જીવન અંધકારમય ભાસે છે. આર્યા ચુપચાપ રહેવા માંડે છે, ગુમસુમ, ઉદાસ. તે પોતાની જાતને પોતાના કક્ષ પુરતી જ સીમિત રાખે છે મોટાભાગે અને તે પણ પડદા બંધ રાખીને ( અંધકારમય જીવનનું પ્રતીક). તે પોતાના હાથની નસ પણ કાપવા છરી લઈને બેસે છે પણ હિંમત નથી કરી શકતી. પોતાના શરીર પરના એ ધૃણાસ્પદ સ્પર્શને ઘસી ઘસીને કાઢી નાખવા મથે છે જાણે હજી એ હાથ તેને સ્પર્શી રહ્યા હોય. બારણું બંધ કરીને તે રડ્યા કરે છે. જાણે જીવન નર્ક સમાન બની જાય છે. કોઈએ કરેલા ગુનાની સજા જાણે તે ભોગવી રહી છે.
        આવી સ્થિતિ માટે સમાજની માનસિકતા પણ જવાબદાર છે, જે ઓછા-વત્તા અંશે સ્ત્રીઓને જ, કે જે ગુનાનો ભોગ બનેલી છે તેને, તેની પર થયેલ બળાત્કાર માટે જવાબદાર માને છે.'' આટલા ટૂંકા કપડા પહેરીને ફરે પછી શું થાય'', ''આટલી મોડી રાત્રે પાર્ટીઓમાં રખડવા નીકળે તો પછી આમ જ થાય ને''. જાણે ટૂંકા કપડા પહેર્યા હોવાથી છોકરીઓ પર બળાત્કાર કરવાનો પરવાનો મળી જતો હોય. વાંધો સ્ત્રીના કપડાનો નહિ તેને જોનાર પુરુષની નજરમાં છે, વિચારધારામાં છે. અને આપણે ત્યાં પંચાયતો ધર્મગુરૂઓ સ્ત્રીઓએ કેવા અને કેટલી લંબાઈના કપડા પહેરવા તેના ફતવા બહાર પાડે છે. નિયમન પુરુષો પર રાખવાની જરૂર છે સ્ત્રીઓ પર નહિ.
        અને છોકરાઓ માટે? સમાચારપત્રો મુજબ આપણા જાણીતા નેતા મુલાયમના વાક્ય નો અર્થ કંઈક એમ હતો કે એ તો જવાની જોશમાં આવું પગલુ ભરાઈ જાય. જો આવી માનસિકતા જાહેરજીવનમાં પડેલ વ્યક્તિ ધરાવે છે તો પછી આપણા સમાજ વિશે શું કહેવું? આ જવાની નું જોશ નહીં પણ અત્યાચાર છે.
        એક વખતના સીબીઆઈ ના વડા રણજીતસિંહનું નિવેદન વળી કંઈક એવું હતું કે જો તમે બળાત્કારનો સામનો ન કરી શકો તો તમે એનો આનંદ ઉઠાવો. વળી વોટ્સએપ પર આવતા જોક્સમાં મહિલા જ એવું બોલતી દેખાડાય છે કે લાડુ જાતે ખાવ કે પરાણે એ મીઠો જ લાગે. પણ આ માન્યતા ખોટી છે બળાત્કારનો ભોગ બનનારી સ્ત્રી ક્યારેય બળજબરીપુર્વકના સંભોગમાં આનંદ નથી અનુભવતી હોતી પણ પીડા જ અનુભવે છે. તેના શરીર, મન અને આત્માના હુમલા ની તેના અસ્મિતાભંગની પીડા.
        આર્યાના બળાત્કારીઓ ન્યાયાલયમાંથી શંકાના આધારે છૂટી જાય છે, અને દેવકી તેને સજા આપે છે. વળી એ કામમાં એક જાસૂસ અને ઈન્સપેક્ટર તેને મદદ કરે છે. આ ન્યાયવ્યવસ્થા પરથી ઊઠી ગયેલો વિશ્વાસ દર્શાવે છે. જ્યાં પાઈના ચોરનાર જેલમાં સબડ્યા કરે છે અને કરોડોના લૂંટનાર જલસા કરે છે. ફિલ્મ જોનારા દરેક લોકો ગુનેગારને દેવકી સજા કરે છે તે બાબતથી ખુશ થાય છે, કારણકે લોકો ન્યાય થતો અપરાધીને દંડ પામતો જોવા માંગે છે અને જો ન્યાયાલય એ કામમાં સફળ ન થાય તો લોકો કાયદો હાથમાં લઈ શકે તેવી સંભાવના રહે જ છે.
        ન્યાય ન મળવાની અથવા તો સમાજમાં બદનામી(?) થવાના ડરે સ્ત્રીઓ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવવા આગળ આવતી નથી.અમેરિકા જેવા દેશના આંકડા અનુસાર લગભગ અડધોઅડધ સ્ત્રીઓ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવવા આગળ આવતી નથી, તો ભારત જેવા દેશમાં તો ફરિયાદ ન નોંધાવનાર સ્ત્રીઓનું પ્રમાણ કેટલું ઊંચુ હશે તે સમજી શકાય તેમ છે. પણ બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓની બદનામી શા માટે? બદનામ તો એ પુરુષ થવો જોઈએ કે જેણે આવો જઘન્ય અપરાધ કર્યો. બળાત્કાર માટે ઘણીવાર ઈજ્જત લૂંટાઈ એવો શબ્દપ્રયોગ વપરાય છે. પણ જે અપરાધનું ભોગ બન્યું હોય તેની ઈજ્જત લૂંટાઈ એવું ગણાવું જોઈએ કે જેણે અપરાધ કર્યો હોય તેની? જો કોઈ ઘરમાં ઘુસીને લૂંટ કરે તો ઘરમાં રહેનારાની ઈજ્જત લૂંટાણી એવું ગણાય? અને સ્ત્રીની ઈજ્જત, આબરુ માત્ર તેની કૌમાર્ય પર કે તેના શરીરના એટલા ભાગ પર જ નિર્ભર છે? સમાજે આ દ્રષ્ટિકોણ બદલવો જ જોઈશે. સ્ત્રીની ઈજ્જત આબરુને શરીરના એટલા જ ભાગ સાથે જોડવાનું બંધ કરવું જોઈશે. ઉપરાંત બળાત્કારના કિસ્સામાં મદદ માટે હેલ્પલાઈન તથા સહાયતા કેન્દ્ર ખુલવા જોઈએ કે જેથી સ્ત્રીઓ પોતાના પર થયેલા આ અત્યાચારનો સામનો કરવા આગળ આવે.
        મુખવાસ: अगर गलत और बहुत गलत में से किसिको चुनना होगा तो किसे चुनोगे?

Tuesday 11 July 2017

ગુરૂ પૂર્ણિમા

        હમણાંજ અષાઢી પૂર્ણિમા ગઈ. ભારતવર્ષમાં તથા દુનિયાભરમાં વસતા ભારતીયો દ્વારા તેની ગુરૂ પૂર્ણિમા તરીકે, કયાંક વ્યાસ પૂર્ણિમા તરીકે પણ, ઉજવણી થાય છે.
        હવેથી શરૂ કરીને દિવાળીના મહાપર્વના આગમનને લગભગ સો દિવસ રહે છે, દિવાસો?
        દક્ષિણાયનના આરંભ પછીની આ પ્રથમ પૂર્ણિમા હોય છે. એવી કથા છે કે ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ જ્યારે પોતાના ગુરૂ પ્રત્યેનો આદરભાવ, પૂજ્યભાવ પ્રકટ કરવા કરવા ની ઈચ્છા વ્યક્ત કરી તો વેદવ્યાસજીએ વર્ષના કોઈપણ એક દિવસને પસંદ કરી ઊજવવા કહ્યું. આથી ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ અષાઢી પૂર્ણિમાએ તેમનો જન્મ થયેલ હોવાથી તે દિવસ પસંદ કર્યો.અને આ રીતે ગુરૂ પૂર્ણિમાની ઊજવણી શરૂ થઈ.આ દિવસે શિષ્યો પોતાના ગુરૂને નમન કરે છે, પૂજા કરે છે, તથા ગુરૂદક્ષિણા અર્પે છે.
        ગુરૂ શબ્દની વ્યૂત્પત્તિ ઘણી સરસ છે. સંસ્કૃતમાં  ગુ અર્થાત  અંધકાર અને રૂ અર્થાત પ્રકાશ. જે જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ લીવે છે તે ગુરૂ.
          गुकारः अन्धकारस्तु रूकारस्तेजमुच्यते।
         अन्धकार निरोधत्वात गुरूरित्यभिधीयते॥
        અને જે આપણા જીવનનો અંધકાર દૂર કરે છે સ્વાભાવિક પણે જ આપણું મસ્તક ત્યાં નમે છે.
          अज्ञानअन्धकारस्य ज्ञानांजनशलाक्या।
          चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरूवे नमः॥
        ગુરૂને આપણી પરંપરામાં બહુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. ''ગુરૂ વિના નહિ જ્ઞાન''. ગુરૂને સાક્ષાત ભગવાન સમાન ગણવામાં આવ્યા છે.
          गुरूर्ब्रह्मा गुरूर्विष्णु गुरूर्देवो महेश्वरः।
        गुरूर्साक्षात परःब्रह्म तस्मै श्री गुरूवे नमः॥
        અરે કેટલાકે તો ગુરૂને હરિ કરતા પણ ઊંચુ સ્થાન આપ્યુ છે.
       गुरू गोविंद दोनो खडे किसको लागु पाय
     बलिहारी गुरू आपकी गोविंद दियो दिखाय।
        ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે, આપણા દેશમાં. પણ જેમ બધે થાય છે તેમ તેમાં પણ લૂણો લાગ્યો, અને પાંખડીઓ જેમને બ્રહ્મનું જ્ઞાન ન હોય તેવા લોકો આંડબર અને બાહ્ય દેખાવથી ગુરૂ બની બેઠા.આવા ગુરૂ જેમને પોતાને જ્ઞાન નથી તેને ત્યાં શિષ્ય થઈને આવેલાને શું શીખવે?
પોતે ન જાણે હરિને લેશ, અને કાઢી બેઠો ગુરૂનો વેશ!
જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
એવા ગુરૂ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર?
        પણ આજના જમાનામાં તો આવા ગુરૂઓની ભરમાર છે ને સાચા ગુરૂ ગોતવા એ લોઢાના ચણા ચાવવા જેવુ કામ થઈ પડે તેમ છે.
સાચો ગુરૂ જાણજે જુક્ત, જે કનક-કામિની નોહે આસક્ત;
બીજા સઘળા આળપંપાળ, જે ધનને અર્થે માંડે જાળ;
તેથી કહો કો શું નીપજે, અખા અંતરમાં માયાને યજે?
        આવા ગુરૂ પોતે તો ડુબે છે પણ પોતાના શિષ્યને પણ ડૂબાડે છે.આવા ગુરૂથી સમજીને દૂર રહીએ એમાં જ આપણું શ્રેય છે.
        અંતે ગુરૂ તો માર્ગ દેખાડે છે, જેના પર ચાલવાનં આપણે પોતે છે.
          अप्प दीपो भव। તું જ તારો દીપક બન.
મુખવાસ: શું ગુગલ ગુરૂ ગણાય? ગુગલમાંથી માહિતી મળે છે અને જ્ઞાન એ માહિતી કરતા કઈંક વધુ છે.
         

Saturday 1 July 2017

કરસનદાસ પે એન્ડ યુઝ

        આખરે કરસનદાસ પે એન્ડ યુઝ જોઈ લીધુ.
જો કોઈને જાહેરમાં સંડાસ જતા જુઓ તો કેવી લાગણી થાય એવી લાગણી થઈ ટૂંકમાં કહો તો જુગુપ્સાપ્રેરક નાકનું ટીચકું ચડે તેવી, ખાસ કરીને તેના કેટલાક સંવાદો સાંભળીને, જે સ્વાભાવિક રીતે જ કુદરતી હાજતને લગતા જ છે.આખરે ચિત્રપટનું (ફિલ્મનું you know!)નામ પણ એટલે જ કરસનદાસ રાખવામાં આવ્યું છે (કર સંડાસ).
        સૌથી વિચારવા જેવી વાત મને ચિત્રપટના પાત્રોની પશ્ચાદભુમિ (Background) લાગી.
        ચિત્રપટની નાયિકા જયા(જોકે તે પોતે પોતાના નામનો ઉચ્ચાર ઝઅયા એવો કરે છે) એક રિક્ષાચાલક (નામે ચીનુભા) ની પુત્રી છે, એની છ બહેનોમાં સૌથી મોટી. પુત્રી પોતે યુવાન થઈ ગયેલ છે, સૌથી નાની બેન ઘોડિયામાં ઝુલે છે, પણ એની મા સગર્ભા છે. આટલા સંતાનો હોવા છતા? કારણ સંતાન માં એક પુત્ર હોવો જોઈએ. પુત્ર માટેની કેવી ઘેલછા!!!! અરે તે પોતાની પત્નીને પડતી તકલીફ પર ધ્યાન નથી આપતો અને વટ ખાતર જાહેર શૌચાલયમાં નથી જવા દેતો ત્યારે નાયિકાના ''પપ્પા આ વખતે દીકરો હશે તો?'' એવા સવાલથી નરમ બની તે પત્ની ને જવા દે છે. અને આટલા લોકો રહે છે માત્ર એક રૂમના મકાનમાં.જેના એક ખૂણામાં રસોડું છે. એક ખાટલો ને એક ખુરશી છે. (જોકે મકાન શૌચાલય યુક્ત છે.)એક છોકરી છે જે સતત ખાવાનું માંગ્યા કરે અને એક સતત બારી પર ચડીને ઊભી હોય. ઘરમાં સતત કકળાટનું વાતાવરણ લાગે.
        આવા જ નજીક નજીક આવેલા નાના નાના મકાનોની બનેલી આખી શેરી છે,  શાસ્ત્રીનગર. જેમાં રહેતા લોકો નાની વાતમાં ઝઘડે છે, કોઈને જીવલેણ રીતે મારવુ સહજ છે. પોટલીઓમાં છુટથી મળતો દારૂ (ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, ઘણાના મતે પોલીસતંત્રની મીઠી નજર હેઠળ જ દારૂ બનાવવાનો અને વહેંચવાનો વ્યવસાય ચાલે છે) લાવે અને પીવે છે. આ ગુજરાતમાં આવી નાની નાની શેરીઓમાં રહેતા શ્રમજીવી લોકોનું નગ્ન સત્ય છે જે દિગ્દર્શકે આપણી આંખો સામે લાવીને મુક્યુ છે. એવા લોકો મેં જોયા છે કે જે દિવસના 300/-₹ કમાતા હોય તો એમાંથી 150-200/-₹ નો તો દારૂ જ પી જતા હોય, આમાં તેમની સ્થિતિ ક્યાંથી સુધરે, તેઓ બસ શારીરિક, માનસિક, આર્થિક ને સામાજિક રીતે ખુંવાર થતા જાય છે.
        અને આ જ શેરીની સામે આવેલા જાહેર શૌચાલય 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં રહે છે નાયક તિલોક અને તેનો ભાઇ સુંદર. જેને નાયિકાનો પિતા તેના કામ માટે ધિક્કારે છે અને મારે છે, તેને ખરી ખોટી સંભળાવે છે. જેમાં સમાજની જાતિવાદી માનસિકતા ડોકિયુ કરતી હોય તેવુ લાગે. ''તારા જેવા ને અમારા વડવા ધોવા માટે રાખતા. તમારી જગ્યા ગામની બહારહ છે ઉકરડામાં''. આ સાંભળીને આમ જાણે કોઈએ જૂના ઘા ઉઘાડા કરીને મીઠું ભભરાવી દીધુ હોય એવુ લાગે. ગાંધીજી, આંબેડકર, હેડગેવારે તેમની પહેલાના પણ અનેક મહાન મનુષ્યોએ શરૂ કરેલા સામાજિક સમરસતાના આંદોલનને છેવાડે પહોંચવાને હજી વાર છે એવુ લાગે. સર્વ જીવમાં શિવ  છે એવો મહાન મંત્ર આપનારી હિંદુ સંસ્કૃતિ ઉપર આ સામાજિક ભેદભાવનો ડાઘ દૂર કરવો જ રહ્યો.
        જ્યારે નાયક આ વાતનો બદલો લેવા શાસ્ત્રીનગરની ગટર બંધ કરવા અંદર ઉતરે છે, ત્યારે તેનો નાનો ભાઈ સુંદર એને ધ્યાન રાખવાનું કહે છે, તો કાળુભા (બંને ભાઇઓનો હિતેચ્છુ) કહે છે ''યુદ્ધ કરવા થોડો જાય છે?'' અને સુંદર જવાબ વાળે છે ''મારો બાપો ગટરમાં જ મર્યો'તો.''એક નાનો એવો સંવાદ પણ એમાં સફાઇ કામદારો ખાસ કરીને જે ગટર સાફ કરનારા પણ જીવના જોખમે કેવી રીતે કામ કરે છે તે બતાવી દીધુ. ઘણી વાર આપણે છાપામાં વાંચીએ છીએ ''ગેસનો ચૂવાક થતા ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારોનુ ગુંગળામણથી મોત'' આપણા પર આ સમાચારો કદાચ કંઈ અસર કરતા નથી (અરે આ દેશના નેતાએ તો જવાનો ના મૃત્યુ પર ''તે તો મરવા માટે જ સેનામાં જોડાતા હોય છે'' એવુ નિવેદન આપેલ છે), પણ એક પરિવારે પોતાનો સભ્ય, સંતાનોએ પોતાની છત્રછાયા, પત્નીએ પોતાનો આધાર ગુમાવ્યો હોય છે.જવાબદાર કોણ? ખુદ સફાઈ કામદાર કે જે સુરક્ષા પ્રત્યે બેદરકાર છે, કે કોન્ટ્રાક્ટર જે સુરક્ષા સાધનો પાછળ ખર્ચ નથી કરવા માંગતો, કે સરકાર જે હોર્ડીંગો થકી સુરક્ષા સાધનોની જાહેરાત કરી ફરજનું ઈતિ સિદ્ધમ કરેછે કે સંવેદનહીન (કે પછી લાચાર?) સમાજ જેને આ મૃત્યુ કંઈ અસર નથી કરતા. એક સંવાદમાં આ હકીકત બહુ જ સરસ રીતે બતાવી છે.
        જ્યારે સફાઈ કામદાર શાસ્ત્રીનગરનો બહિષ્કાર કરે છે, ત્યારે શાસ્ત્રીનગર પોતે જ ઉકરડામાં ફેરવાઇ જાય છે. રહેવાસીઓ નાક બગાડતા ફરે છે પણ કોઇપણ એ ગંદકી દૂર કરવાનું બીડુ ઝડપતુ નથી. ત્યારે સફાઈ કામદારનું મહત્વ સમજાય છે. જેમ શરીરમાં દરેક અંગનું પોતાનું મહત્વ હોય છે અને તેમના તાલમેલથી શરીર ચાલે છે તેમ સમાજના દરેક વિભાગનું પોતાનું આગવું મહત્વ છે અને તેઓ એકબીજાની સાથે તાલમેલ જાળવે તો જ સમાજ બરાબર ચાલે.
        છેલ્લે નાયિકાની સગર્ભા માં નુ શું થયુ? ફરી વખત દીકરી,પણ ચીનુભા હિંમત હારતા નથી વર્ષ પછી બંને મા દીકરી સાથે જ ગર્ભવતી થાય છે કદાચ આ વખતે.........
        મુખવાસ: તિલોક(ચીનુભા જાજરૂમાંથી બહાર આવે ત્યારે): વડીલ કેવું લાગ્યુ? મજા આવી ને?કંઈ તકલીફ?
ચીનુભા(હાથ છોડાવતા): અલ્યા પુછે તો એમ જાણે જમવા માટે બોલાવ્યા હોય.