Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Saturday 1 July 2017

કરસનદાસ પે એન્ડ યુઝ

        આખરે કરસનદાસ પે એન્ડ યુઝ જોઈ લીધુ.
જો કોઈને જાહેરમાં સંડાસ જતા જુઓ તો કેવી લાગણી થાય એવી લાગણી થઈ ટૂંકમાં કહો તો જુગુપ્સાપ્રેરક નાકનું ટીચકું ચડે તેવી, ખાસ કરીને તેના કેટલાક સંવાદો સાંભળીને, જે સ્વાભાવિક રીતે જ કુદરતી હાજતને લગતા જ છે.આખરે ચિત્રપટનું (ફિલ્મનું you know!)નામ પણ એટલે જ કરસનદાસ રાખવામાં આવ્યું છે (કર સંડાસ).
        સૌથી વિચારવા જેવી વાત મને ચિત્રપટના પાત્રોની પશ્ચાદભુમિ (Background) લાગી.
        ચિત્રપટની નાયિકા જયા(જોકે તે પોતે પોતાના નામનો ઉચ્ચાર ઝઅયા એવો કરે છે) એક રિક્ષાચાલક (નામે ચીનુભા) ની પુત્રી છે, એની છ બહેનોમાં સૌથી મોટી. પુત્રી પોતે યુવાન થઈ ગયેલ છે, સૌથી નાની બેન ઘોડિયામાં ઝુલે છે, પણ એની મા સગર્ભા છે. આટલા સંતાનો હોવા છતા? કારણ સંતાન માં એક પુત્ર હોવો જોઈએ. પુત્ર માટેની કેવી ઘેલછા!!!! અરે તે પોતાની પત્નીને પડતી તકલીફ પર ધ્યાન નથી આપતો અને વટ ખાતર જાહેર શૌચાલયમાં નથી જવા દેતો ત્યારે નાયિકાના ''પપ્પા આ વખતે દીકરો હશે તો?'' એવા સવાલથી નરમ બની તે પત્ની ને જવા દે છે. અને આટલા લોકો રહે છે માત્ર એક રૂમના મકાનમાં.જેના એક ખૂણામાં રસોડું છે. એક ખાટલો ને એક ખુરશી છે. (જોકે મકાન શૌચાલય યુક્ત છે.)એક છોકરી છે જે સતત ખાવાનું માંગ્યા કરે અને એક સતત બારી પર ચડીને ઊભી હોય. ઘરમાં સતત કકળાટનું વાતાવરણ લાગે.
        આવા જ નજીક નજીક આવેલા નાના નાના મકાનોની બનેલી આખી શેરી છે,  શાસ્ત્રીનગર. જેમાં રહેતા લોકો નાની વાતમાં ઝઘડે છે, કોઈને જીવલેણ રીતે મારવુ સહજ છે. પોટલીઓમાં છુટથી મળતો દારૂ (ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, ઘણાના મતે પોલીસતંત્રની મીઠી નજર હેઠળ જ દારૂ બનાવવાનો અને વહેંચવાનો વ્યવસાય ચાલે છે) લાવે અને પીવે છે. આ ગુજરાતમાં આવી નાની નાની શેરીઓમાં રહેતા શ્રમજીવી લોકોનું નગ્ન સત્ય છે જે દિગ્દર્શકે આપણી આંખો સામે લાવીને મુક્યુ છે. એવા લોકો મેં જોયા છે કે જે દિવસના 300/-₹ કમાતા હોય તો એમાંથી 150-200/-₹ નો તો દારૂ જ પી જતા હોય, આમાં તેમની સ્થિતિ ક્યાંથી સુધરે, તેઓ બસ શારીરિક, માનસિક, આર્થિક ને સામાજિક રીતે ખુંવાર થતા જાય છે.
        અને આ જ શેરીની સામે આવેલા જાહેર શૌચાલય 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં રહે છે નાયક તિલોક અને તેનો ભાઇ સુંદર. જેને નાયિકાનો પિતા તેના કામ માટે ધિક્કારે છે અને મારે છે, તેને ખરી ખોટી સંભળાવે છે. જેમાં સમાજની જાતિવાદી માનસિકતા ડોકિયુ કરતી હોય તેવુ લાગે. ''તારા જેવા ને અમારા વડવા ધોવા માટે રાખતા. તમારી જગ્યા ગામની બહારહ છે ઉકરડામાં''. આ સાંભળીને આમ જાણે કોઈએ જૂના ઘા ઉઘાડા કરીને મીઠું ભભરાવી દીધુ હોય એવુ લાગે. ગાંધીજી, આંબેડકર, હેડગેવારે તેમની પહેલાના પણ અનેક મહાન મનુષ્યોએ શરૂ કરેલા સામાજિક સમરસતાના આંદોલનને છેવાડે પહોંચવાને હજી વાર છે એવુ લાગે. સર્વ જીવમાં શિવ  છે એવો મહાન મંત્ર આપનારી હિંદુ સંસ્કૃતિ ઉપર આ સામાજિક ભેદભાવનો ડાઘ દૂર કરવો જ રહ્યો.
        જ્યારે નાયક આ વાતનો બદલો લેવા શાસ્ત્રીનગરની ગટર બંધ કરવા અંદર ઉતરે છે, ત્યારે તેનો નાનો ભાઈ સુંદર એને ધ્યાન રાખવાનું કહે છે, તો કાળુભા (બંને ભાઇઓનો હિતેચ્છુ) કહે છે ''યુદ્ધ કરવા થોડો જાય છે?'' અને સુંદર જવાબ વાળે છે ''મારો બાપો ગટરમાં જ મર્યો'તો.''એક નાનો એવો સંવાદ પણ એમાં સફાઇ કામદારો ખાસ કરીને જે ગટર સાફ કરનારા પણ જીવના જોખમે કેવી રીતે કામ કરે છે તે બતાવી દીધુ. ઘણી વાર આપણે છાપામાં વાંચીએ છીએ ''ગેસનો ચૂવાક થતા ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારોનુ ગુંગળામણથી મોત'' આપણા પર આ સમાચારો કદાચ કંઈ અસર કરતા નથી (અરે આ દેશના નેતાએ તો જવાનો ના મૃત્યુ પર ''તે તો મરવા માટે જ સેનામાં જોડાતા હોય છે'' એવુ નિવેદન આપેલ છે), પણ એક પરિવારે પોતાનો સભ્ય, સંતાનોએ પોતાની છત્રછાયા, પત્નીએ પોતાનો આધાર ગુમાવ્યો હોય છે.જવાબદાર કોણ? ખુદ સફાઈ કામદાર કે જે સુરક્ષા પ્રત્યે બેદરકાર છે, કે કોન્ટ્રાક્ટર જે સુરક્ષા સાધનો પાછળ ખર્ચ નથી કરવા માંગતો, કે સરકાર જે હોર્ડીંગો થકી સુરક્ષા સાધનોની જાહેરાત કરી ફરજનું ઈતિ સિદ્ધમ કરેછે કે સંવેદનહીન (કે પછી લાચાર?) સમાજ જેને આ મૃત્યુ કંઈ અસર નથી કરતા. એક સંવાદમાં આ હકીકત બહુ જ સરસ રીતે બતાવી છે.
        જ્યારે સફાઈ કામદાર શાસ્ત્રીનગરનો બહિષ્કાર કરે છે, ત્યારે શાસ્ત્રીનગર પોતે જ ઉકરડામાં ફેરવાઇ જાય છે. રહેવાસીઓ નાક બગાડતા ફરે છે પણ કોઇપણ એ ગંદકી દૂર કરવાનું બીડુ ઝડપતુ નથી. ત્યારે સફાઈ કામદારનું મહત્વ સમજાય છે. જેમ શરીરમાં દરેક અંગનું પોતાનું મહત્વ હોય છે અને તેમના તાલમેલથી શરીર ચાલે છે તેમ સમાજના દરેક વિભાગનું પોતાનું આગવું મહત્વ છે અને તેઓ એકબીજાની સાથે તાલમેલ જાળવે તો જ સમાજ બરાબર ચાલે.
        છેલ્લે નાયિકાની સગર્ભા માં નુ શું થયુ? ફરી વખત દીકરી,પણ ચીનુભા હિંમત હારતા નથી વર્ષ પછી બંને મા દીકરી સાથે જ ગર્ભવતી થાય છે કદાચ આ વખતે.........
        મુખવાસ: તિલોક(ચીનુભા જાજરૂમાંથી બહાર આવે ત્યારે): વડીલ કેવું લાગ્યુ? મજા આવી ને?કંઈ તકલીફ?
ચીનુભા(હાથ છોડાવતા): અલ્યા પુછે તો એમ જાણે જમવા માટે બોલાવ્યા હોય.

No comments:

Post a Comment