Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Thursday 21 March 2019

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ નારાયણ, જેઓ અંગ્રેજી સરકાર ના દમન સામે લડ્યા હતા અને ફરીવાર ઈન્દિરા ગાંધી સરકાર ના દમન સામે લડ્યા. દુર્ભાગ્યે દમનકારી લોકોને ભારતરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે અને આવા સાચા રત્નો વંચિત રહી ગયા હતા. છેક ૧૯૯૯ માં વાજપેયી સરકારે જયપ્રકાશ નારાયણને ભારતરત્ન પુરસ્કાર આપ્યો હતો.
          ઘણા લોકો આપણી સ્વતંત્રતા ટકાવી રાખવા લડ્યા, બલિદાન આપ્યું, અને આ મહામૂલી સ્વતંત્રતાને પાછી મેળવી.
          આજનો દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવો જોઈએ પણ કમનસીબે તે એક સામાન્ય દિવસ બનીને રહી ગયો છે. આજનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ જે સ્વતંત્રતા માટે આટલા બલિદાન આપેલા છે તે ગમે ત્યારે આપણી પાસેથી છીનવાઇ શકે છે, તે આપણી પાસેથી પણ બલિદાનો માંગી શકે છે.આજનો દિવસ હંમેશા યાદ રાખવો જોઈએ અને ઉજવવો જોઈએ.
          જય હિન્દ.

Monday 11 March 2019

ગુજરાતી મહિના

          હમણાં જ ફાગણ પર લખ્યું તો મનમાં થયું કે ગુજરાતી મહિનાની રચના વિશે કંઈક લખું.
          આપણે સહુ જાણતા જ હોઇશું કે ગુજરાતી મહિના, ભારતીય પંચાંગ, ચંદ્ર ની આકાશી ગતિ પર આધારિત, ચાંદ્ર પંચાંગ છે. પંચાંગ એટલે પાંચ અંગ, અને તેના પાંચ અંગો છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ. 
          આકાશમાં કુલ મળીને ૨૭ નક્ષત્ર હોય છે, જેના નામ છે: (૧) શ્રવણ (૨) પુષ્ય (૩) અશ્વિની (૪) મૃગશીર્ષ (૫) અનુરાધા (૬) રેવતી (૭) હસ્ત (૮) પુનર્વસુ (૯) સ્વાતિ (૧૦) ભરણી (૧૧) રોહિણી (૧૨) પૂર્વાષાઢા (૧૩) પૂર્વાફાલ્ગુની (૧૪) પૂર્વાભાદ્રપદા (૧૫) ઉત્તરાફાલ્ગુની (૧૬) ઉત્તરાષાઢા (૧૭) ઉત્તરાભાદ્રપદા (૧૮) આર્દ્રા (૧૯) મુળ (૨૦) વિશાખા (૨૧) કૃત્તિકા (૨૨) મઘા (૨૩) ચિત્રા (૨૪) ધનિષ્ઠા (૨૫) શતભિષા (૨૬) જ્યેષ્ઠા (૨૭) આશ્લેષા. પુરાણોમાં આ ૨૭ નક્ષત્રોને ચંદ્રની ૨૭ પત્નીઓ, દક્ષ પ્રજાપતિની પુત્રીઓ, તરીકે વર્ણવવામાં આવી છે, અને ચંદ્ર પોતાની દરેક પત્ની સાથે લગભગ એક દિવસ જેટલો સમય પસાર કરી ૨૭ દિવસમાં પુરૂં નક્ષત્ર વૃત ફરી વળે છે.
          આ ૨૭ નક્ષત્ર ના નામ વાંચીને ગુજરાતી મહિનાઓના નામ સાથેનું સામ્ય તરત જ નજરે ચડશે, પણ એની વાત કરીએ તે પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં આવતી એક ખાસ પ્રકારની શબ્દરચના, અપત્યદર્શક શબ્દો, અંગે વાત કરી લઈએ.
          અપત્ય એટલે સંતાન, પુત્ર હોય કે પછી પુત્રી. સંસ્કૃત ભાષામાં, માતા કે પિતા ના નામ પરથી સંતાનના નામકરણ ની એક ખાસ વ્યાકરણની પદ્ધતિ છે જેને અપત્યદર્શક નામ કહેવાય છે. જેમકે માતા અંજનીના પુત્ર હોવાથી હનુમાનજી ને આઞ્જનેય કહેવાય છે, તો વળી મરુતના પુત્ર હોવાથી મારુતિ પણ કહેવાય છે; વસુદેવજી ના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ને વાસુદેવ કહેવામાં આવે છે, તો કુન્તી પુત્ર અર્જુનને કૌન્તેય કહેવાય છે. વળી એ જ માતા કુંતી નું બીજું નામ પૃથા હોવાથી આ પૃથાપુત્ર અર્જુન પાર્થ એવા નામથી ઓળખાય છે, અને એ પાંડુ પુત્ર હોવાથી પાંડવ પણ કહેવાય છે. આ જ રીતે કુરુ ના વંશજો કૌરવો, ભરતની સંતાન ભારત, જહ્નુ ઋષિની પુત્રી જાહ્નવી, પૃથુ રાજાની પુત્રી પૃથ્વી કહેવાય છે. છ કૃતિકાઓ ના પુત્ર હોવાથી ભગવાન સ્કંદ કાર્તિકેય કહેવાય છે.
          હવે આટલી પૃષ્ઠભૂમિકા પછી આપણે ગુજરાતી મહિનાઓના નામકરણ નો નિયમ જાણીએ. પૂર્ણિમા ના દિને ચંદ્ર જે નક્ષત્ર માં હોય, તે નક્ષત્ર ના નામ પરથી અપત્યદર્શક નામ બનાવી, જે તે મહિના નું નામકરણ કરાયું છે.
          આમ ૧૨ મહિનાના નામ છે:
             (૧) કૃતિકા નક્ષત્ર - કાર્તિક - કારતક
             (૨) મૃગશીર્ષ નક્ષત્ર - માર્ગશીર્ષ - માગશર
             (૩) પુષ્યનક્ષત્ર - પૌષ - પોષ
             (૪) મઘા નક્ષત્ર - માઘ - મહા
             (૫) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર - ફાલ્ગુન - ફાગણ
             (૬) ચિત્રા નક્ષત્ર - ચૈત્ર
             (૭) વિશાખા નક્ષત્ર - વૈશાખ
             (૮) જ્યેષ્ઠા નક્ષત્ર - જ્યેષ્ઠ - જેઠ
             (૯) પૂર્વાષાઢા નક્ષત્ર - અષાઢ
             (૧૦) શ્રવણ નક્ષત્ર - શ્રાવણ
             (૧૧) પૂર્વાભાદ્રપદા નક્ષત્ર - ભાદ્રપદ - ભાદરવો
             (૧૨) અશ્વિની નક્ષત્ર - અશ્વિન - આસો
          આમ ભારતીય પંચાંગ માં મહિના એ ચંદ્ર અને નક્ષત્ર ની સંતાનો છે.

Saturday 9 March 2019

ફાગણ

            ફાગણ આવ્યો, મારા આંગણે રંગ લાવ્યો
     યુનાઈટેડ વે બરોડા ના ગરબામાં આ ગીત સાંભળ્યું છે અને આ ગીત પર ઘુમ્યા અને ઝુમ્યા પણ છીએ. ફાગણની મસ્તી ને આ ગીતમાં આબાદ રીતે ઝીલી લેવામાં આવી છે.
     ફાગણ એટલે રંગોનો મહિનો. ફાગણ એટલે આનંદ ઉત્સાહ અને ઉમંગ નો મહિનો. ફાગણ મહિનામાં વાસંતી વાયરા વાય છે અને આખી સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠે છે. વૃક્ષો પર નવી કૂંપળો ફૂટી નીકળે છે અને નવા પર્ણ આવે છે, પુષ્પો ખીલે છે, ધરતી સોળ શણગાર સજીને નીકળેલી કોઈ નવોઢા જેવી લાગે છે. આખી દુનિયા રંગબેરંગી બની જાય છે.
     પણ આ રંગબેરંગી વૃક્ષોમાં સૌથી વધુ જો કોઈ અલગ તરી આવતું હોય તો તે પલાશ. એને ખાખરા ના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાગણ માં આખું વૃક્ષ કેસુડાના ફૂલ થી છવાઈ જાય છે અને આંખોને ઉડીને વળગે છે. રાજપીપળા ખાતે ના જંગલો માં તેના ઘણા વૃક્ષો જોયા છે અને જ્યારે ઝુંડમાં આ વૃક્ષો હોય ત્યારે જંગલનો એ ભાગ ભડકે બળી ઉઠ્યો હોય એવો છતાં પણ અતિ સુંદર ભાસે છે. મહાભારતકારે યુદ્ધમાં ઘવાયેલા, લોહી નીતરતા અભિમન્યુ ને કેસુડાના ફૂલોથી ખીલી ઊઠેલા પલાશના વૃક્ષ સાથે સરખાવ્યો છે. આખરે આ કેસરી રંગ શૌર્યનો રંગ પણ છે, યુદ્ધમાં લડવા નીકળેલા સૈનિકો માટે કેસરિયા કરવા નીકળ્યા છે એવું કહેવાય છે.
     જ્યારે આખી સૃષ્ટિ રંગોથી રંગાઇ ગઇ હોય ત્યારે માણસ પણ કેવી રીતે તેમાંથી બાકાત રહી શકે. હોળી પછીના દિવસે, કેસુડો, અબીલ, અને ગુલાલ ના  રંગોથી સહુ એકબીજાને રંગી દે છે. (હવે તો ઘણીવાર કાદવ અને કૃત્રિમ રાસાયણિક રંગોથી) ગીત ગાતાં ગાતાં સંગીત વગાડતા, નાચતા, રંગ ભરેલા પાણીની પિચકારીથી એકબીજાને રંગતા સહુ આનંદમાં ઝુમી ઉઠે છે.
     વડોદરા ની લગભગ દરેક ધુળેટી મેં મારા મિત્રો કનુ અને જસ્મિનની સોસાયટીમાં ઉજવી છે, આખરે મિત્રો અને પરિવાર જ ઉત્સવને ઉત્સવ બનાવે છે.

Friday 1 March 2019

चिड़िया दे नाल बाज़ लड़ावा

   चिडिया दे नाल बाज लडावा
गीदडानु में शेर बनावा
सवा लाख से एक लड़ावा
तां गोविंदसिंह नाम कहांवा
         ગુરુ ગોવિંદસિંહનું આ એક અમર વાક્ય છે. ૧૭ મી સદીમાં ઔરંગઝેબના આદેશથી ગુરુ ગોવિંદસિંહને પકડવા માટે લાખો મુગલ સૈનિકો ચમકોરના કિલ્લા આગળ એકઠા થયા હતા, ત્યારે ગુરુ ગોવિંદસિંહ પાસે માત્ર ૪૦ જ સૈનિકો હતા. આ સૈનિકોએ ગુરુ ગોવિંદસિંહને પોતાના સંતાનોને લઈને કિલ્લામાંથી જતા રહેવા કહ્યું, એમ કહીને કે આટલા બધા સૈનિકો સામે ટકવું અસંભવ છે. ત્યારે ગુરુ ગોવિંદસિંહ આ ઉક્તિ બોલ્યા હતા.
          ચમકોરના એ યુદ્ધમાં માત્ર ૪૦ શીખ સૈનિકોએ લાખોની એ મુઘલ સેનાના દાંત ખાટા કરી નાખ્યા હતા, અને હજારો મુઘલ સૈનિકોને હણી નાખ્યા હતા.
          યુદ્ધોના ઈતિહાસમાં આ એક અકલ્પનીય, અપ્રતિમ ઘટના છે, જ્યાં સાચે જ જાણે ચકલી બાજ સામે લડી અને જીતી પણ ખરી. 
          આવી જ કંઈક ઘટના સારાગઢીના યુદ્ધમાં બની હતી જ્યાં માત્ર ૨૧ શીખ સૈનિકોએ ૧૦૦૦૦ જેટલા અફઘાન સૈનિકોને થંભાવી દીધા હતા. અંતે તે સૌએ પોતાનું બલિદાન આપ્યું હતું પણ તે પહેલા સેંકડો અફઘાન સૈનિકોને હણી નાખ્યા હતા.
           આવી જ એક વીરગાથા ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં લોઙગેવાલા ખાતે થયેલ લડાઈની પણ છે, જ્યાં ભારતીય લશ્કરની એક કંપનીએ જ પાકિસ્તાની સેનાની આખી બટાલિયન ને રોકી દીધી હતી.
           આ બધી જ વીરગાથાઓ चिड़िया दे नाल बाज़ लड़ावा સમાન છે, અને આવી જ ઘટના હમણાં પાકિસ્તાની યુદ્ધ વિમાનો જ્યારે ભારતીય લશ્કરી થાણા પર હુમલો કરવા આવ્યા ત્યારે બની. પાકિસ્તાની વિમાન સેનાએ અત્યાધુનિક એફ-૧૬ વિમાનો હુમલા માટે મોકલ્યા હતા અને ત્યારે ભારતીય વાયુ સીમા નું સંરક્ષણ માટે જુની પેઢીના મીગ-૨૧ વિમાનમાં કમાન્ડર અભિનંદન આકાશમાં ચક્કર લગાવી રહ્યા હતા. જો તેઓ ભારતીય વાયુ સેનાને જાણ કરવામાં સમય ગુમાવે તો પાકિસ્તાની વિમાનો હુમલો કરવામાં સફળ થાય એવું બને તેથી તેમણે એ વિમાન, કે જે અત્યાધુનિક, વધુ ચપળ અને વધુ શક્તિશાળી હતુ, તેને પડકાર્યુ, તેની સામે લડ્યા અને અંતે તે વિમાનને વીંધીને નષ્ટ કર્યું. યુદ્ધ વિમાનો ની આકાશી લડાઈની ઘટનાઓમાં આ ઘટના સોનેરી અક્ષરોથી લખાશે. આવી હિંમત માટે કમાન્ડર અભિનંદન, અભિનંદનને પાત્ર છે. તેમની આવી વીરતાથી દરેક ભારતીય ની છાતી ગજગજ ફૂલે છે. 
           Salute to Indian Air Force, જય હિન્દ.

Saturday 27 January 2018

sultan song

[jaladhi.bjmc] sings Jag Ghoomeya by Salman Khan, what an incredible voice on StarMaker! #music #karaoke #sing https://m.starmakerstudios.com/share?recording_id=4785074253213343&share_type=more

Monday 17 July 2017

MOM

        ગઈ કાલે 'મોમ' જોયું. શ્રીદેવીના તથા તેની દીકરી બનેલ અભિનેત્રી સજલ અલીના ઉત્કૃષ્ટ અભિનય, મજબૂત પટકથા તથા પાત્રાલેખનને કારણે એક ખુબજ જોવાલાયક ચલચિત્ર આપણને મળ્યું છે. ઘણી બધી બાબતો આમાં ખુબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે.
        દેવકી (શ્રીદેવીના પાત્રનું નામ), આર્યાની સાવકી મા હોય છે. આવા પરિવારને નીઓ-ટ્રેડિશનલ સ્ટેપ ફેમિલી કહેવાય. દેવકી આર્યાને પ્રેમપૂર્વક અપનાવે છે પોતાની દીકરી ગણીને જ પ્રેમ આપે છે, પરંતુ આર્યા દેવકીને હંમેશા મે'મ કહીને જ બોલાવે છે(દેવકી તેની શાળામાં શિક્ષિકા હોય છે) મોમ નહી. તે પોતાના પિતા સાથે જ બધી વાત કરે છે અને દેવકી તે વાતમાં વચ્ચે પડે તેનો અણગમો તે હંમેશા વ્યક્ત કરે છે. તેને એવું લાગે છે કે તેના પિતા તેની માતાને ભુલી ગયા છે અને તેથી તે બીજી સ્ત્રીને ઘરે લઈ આવ્યા છે. જો તેના પિતા દેવકી ને મે'મ કહેવા બાબતે ટકોર કરે તો તે ગુસ્સે ભરાઈ જમવાનું છોડી ચાલી જાય છે. જો કે તે પોતાની સાવકી બહેન ને અપનાવી લે છે પણ દેવકીને પોતાની મા તરીકેનું સ્થાન નથી આપતી અને વાતચીતમાં પણ તે દેવકીને કહે છે કે ''તમે એમને કીધુ નહિ કે હું તમારી દીકરી નથી.''
        એક બાળકના જીવનમાં તેની માંના અવસાન પછી જો કોઈ બીજી સ્ત્રી અપર મા બની આવે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે, તે બાળકના માનસમાં જે ઉથલપાથલ થાય છે, સંબંધોના જે નવા તાણાવાણા રચાય છે અને જે સંઘર્ષ થાય છે તે આ ચલચિત્રમાં સુંદર રીતે દર્શાવ્યું છે. સામાન્ય રીતે સાવકી મા અને પહેલી પત્નીના સંતાનો વચ્ચે મધુર સંબંધ રહેવા અઘરા છે.જેમાં બેમાંથી કોઈ એક અથવા બંને પક્ષો એકબીજાને સ્વીકારવા તૈયાર હોતા નથી. પણ જેમ દેવકીનું પાત્ર કહે છે તેમ ''આર્યાને સમજાવવાની નહિ સમજવાની જરૂર છે'', તેવો અભિગમ જો દાખવવામાં આવે તો શક્યતા રહે છે કે એક સ્વસ્થ સંબંધ બને.
        આર્યા પર બળાત્કાર થાય છે. મોડી રાત્રે વેલેન્ટાઈન દિવસની પાર્ટીમાં તેની સાથે ભણતા છોકરા મોહિતના ડાન્સના પ્રસ્તાવને તે નનૈયો ભણે છે, મોહિત નો પિતરાઈ ભાઈ ચાર્લ્સ  તેને પૂછે છે કે શું તને એ છોકરી જોઈએ છે? આ સવાલ આવા પુરુષોના મનમાં સ્ત્રી પ્રત્યે રહેલી માનસિકતા દર્શાવે છે. આવા પુરુષો માટે સ્ત્રી કોઈ વ્યક્તિ નહિ સંભોગ, સેક્સ માટેનું રમકડુ છે. જેને પટાવવાની હોય અને જો પટે નહિ તો બળાત્કાર કરીને રસ્તામાં ક્યાંક ફેંકી દેવાની હોય. તેની કોઈ સ્વતંત્ર ઈચ્છા ન હોઈ શકે, તે પુરુષને ના ન કહી શકે, તેણે તો માત્ર તાબે જ થવાનું હોય સ્વેચ્છાએ, નહિ તો બળજબરીપુર્વક. વળી બીજો બળાત્કારી વ્યક્તિ દારૂના નશામાં બોલે છે ''સ્ત્રી તરીકે જન્મ મેળવવા એક જ જન્મ પુરતો છે પણ પુરુષ તરીકે જન્મ મેળવવા 1008 જન્મ લેવા પડે'' સ્ત્રી તો નીચી પાયરીની છે એનું મહત્વ પુરુષ કરતા નીચે જ હોય એ માનસિકતા અહીં ડોકિયું કરે છે. અને જેનો દરજ્જો નીચો હોય તે ના કેવી રીતે પાડી શકે? ભલે ને પછી તે માંગણી શારીરિક સંબંધ માટેની કેમ ન હોય?
        જ્યારે આર્યા મોહિતને ના પાડે છે તો ચાર્લ્સ બેહોશીની દવા પીણાંમાં ભેળવીને આર્યાને પ્રસ્તાવ કરે છે, આ રીતને ડેટ રેપ કહે છે જેમાં સામાન્ય રીતે છોકરીનો બોયફ્રેન્ડ આવું નશીલું પીણું પીવડાવીને છોકરીની સાથે શારીરિક સંબંધ બાંધે છે. દવાની અસર હેઠળ હોવાથી છોકરી તેનો વિરોધ કરી શકતી નથી.અમેરિકાના આંકડા અનુસાર દર છ માંથી એક છોકરી આવા ડેટ રેપનો શિકાર બને છે. અને પાંચમાંથી બે છોકરા જો તક મળે તો ડેટ રેપ કરવા માંગતા હતા. આ પ્રકારે બળાત્કારનો શિકાર બનેલી સ્ત્રીઓ ફરિયાદ કરે તેવી સંભાવના બળાત્કારનો ભોગ બનેલ અન્ય સ્ત્રીઓની સરખામણીમાં ઓછી હોય છે.  હવે ભારતમાં ખાસ કરીને મહાનગરોમાં ડેટ કલ્ચર વિકસી રહ્યું હોઈ આવા બનાવો વધવાની સંભાવના છે.
        જોકે આર્યા ચાર્લ્સનો પ્રસ્તાવ ઠુકરાવી દે છે અને તેથી તે ગુસ્સામાં આવી જાય છે અને વળી તે દારૂનું સેવન કરી રહ્યો હોય છે. બળાત્કારના ઘણા કિસ્સાઓમાં બળાત્કારી પુરુષ દારૂના નશામાં હોય છે. અને બળાત્કારી ઘણીવાર બળાત્કાર એક સજા સ્વરૂપે,પોતાનો ગુસ્સો જેના કારણે આવ્યો તે સ્ત્રી પર કરતો હોય છે.
ગુસ્સો, દારૂનું સેવન અને સ્ત્રીઓ પ્રત્યે એક ચીજવસ્તુની, માલિકીપણાની ભાવના આ બધુ ભેગુ મળે છે ને આર્યા પર બળાત્કાર થાય છે. તે પાર્ટીમાંથી બહાર નીકળતી હોય છે ત્યારે તેને ઉઠાવી લેવાય છે અને ચાલુ ગાડીએ તેના પર ચાર પુુરુષો દ્વારા બળાત્કાર થાય છે.તેને એટલો માર મરાય છે કે તે જીવલેણ સ્થિતિમાં પહોંચી જાય છે. આ એક પ્રકારનું સેડીઝમ કહી શકાય જેમાં સામી વ્યક્તિને પીડા પહોંચાડવાથી આનંદ મળે છે.
        પણ બળાત્કાર માત્ર સ્ત્રીના શરીર પર જ નહિ મન પર પણ મોટો ઘા કરી જાય છે. બહુ જ ઓછી સ્ત્રીઓ બળાત્કારની ઘટનામાંથી સંપૂર્ણ સ્વસ્થ બનીને બહાર નીકળી શકે છે ને સામાન્ય જીવન જીવી શકે છે. બળાત્કારના સમયે અનુભવાયેલી અસહાયતાની ભાવના તેનો પીછો નથી છોડતી. એ ડરામણા દ્રશ્યો તેના માનસપટની સામે આવ્યા જ કરે છે. એ ને પોતાનું જીવન અંધકારમય ભાસે છે. આર્યા ચુપચાપ રહેવા માંડે છે, ગુમસુમ, ઉદાસ. તે પોતાની જાતને પોતાના કક્ષ પુરતી જ સીમિત રાખે છે મોટાભાગે અને તે પણ પડદા બંધ રાખીને ( અંધકારમય જીવનનું પ્રતીક). તે પોતાના હાથની નસ પણ કાપવા છરી લઈને બેસે છે પણ હિંમત નથી કરી શકતી. પોતાના શરીર પરના એ ધૃણાસ્પદ સ્પર્શને ઘસી ઘસીને કાઢી નાખવા મથે છે જાણે હજી એ હાથ તેને સ્પર્શી રહ્યા હોય. બારણું બંધ કરીને તે રડ્યા કરે છે. જાણે જીવન નર્ક સમાન બની જાય છે. કોઈએ કરેલા ગુનાની સજા જાણે તે ભોગવી રહી છે.
        આવી સ્થિતિ માટે સમાજની માનસિકતા પણ જવાબદાર છે, જે ઓછા-વત્તા અંશે સ્ત્રીઓને જ, કે જે ગુનાનો ભોગ બનેલી છે તેને, તેની પર થયેલ બળાત્કાર માટે જવાબદાર માને છે.'' આટલા ટૂંકા કપડા પહેરીને ફરે પછી શું થાય'', ''આટલી મોડી રાત્રે પાર્ટીઓમાં રખડવા નીકળે તો પછી આમ જ થાય ને''. જાણે ટૂંકા કપડા પહેર્યા હોવાથી છોકરીઓ પર બળાત્કાર કરવાનો પરવાનો મળી જતો હોય. વાંધો સ્ત્રીના કપડાનો નહિ તેને જોનાર પુરુષની નજરમાં છે, વિચારધારામાં છે. અને આપણે ત્યાં પંચાયતો ધર્મગુરૂઓ સ્ત્રીઓએ કેવા અને કેટલી લંબાઈના કપડા પહેરવા તેના ફતવા બહાર પાડે છે. નિયમન પુરુષો પર રાખવાની જરૂર છે સ્ત્રીઓ પર નહિ.
        અને છોકરાઓ માટે? સમાચારપત્રો મુજબ આપણા જાણીતા નેતા મુલાયમના વાક્ય નો અર્થ કંઈક એમ હતો કે એ તો જવાની જોશમાં આવું પગલુ ભરાઈ જાય. જો આવી માનસિકતા જાહેરજીવનમાં પડેલ વ્યક્તિ ધરાવે છે તો પછી આપણા સમાજ વિશે શું કહેવું? આ જવાની નું જોશ નહીં પણ અત્યાચાર છે.
        એક વખતના સીબીઆઈ ના વડા રણજીતસિંહનું નિવેદન વળી કંઈક એવું હતું કે જો તમે બળાત્કારનો સામનો ન કરી શકો તો તમે એનો આનંદ ઉઠાવો. વળી વોટ્સએપ પર આવતા જોક્સમાં મહિલા જ એવું બોલતી દેખાડાય છે કે લાડુ જાતે ખાવ કે પરાણે એ મીઠો જ લાગે. પણ આ માન્યતા ખોટી છે બળાત્કારનો ભોગ બનનારી સ્ત્રી ક્યારેય બળજબરીપુર્વકના સંભોગમાં આનંદ નથી અનુભવતી હોતી પણ પીડા જ અનુભવે છે. તેના શરીર, મન અને આત્માના હુમલા ની તેના અસ્મિતાભંગની પીડા.
        આર્યાના બળાત્કારીઓ ન્યાયાલયમાંથી શંકાના આધારે છૂટી જાય છે, અને દેવકી તેને સજા આપે છે. વળી એ કામમાં એક જાસૂસ અને ઈન્સપેક્ટર તેને મદદ કરે છે. આ ન્યાયવ્યવસ્થા પરથી ઊઠી ગયેલો વિશ્વાસ દર્શાવે છે. જ્યાં પાઈના ચોરનાર જેલમાં સબડ્યા કરે છે અને કરોડોના લૂંટનાર જલસા કરે છે. ફિલ્મ જોનારા દરેક લોકો ગુનેગારને દેવકી સજા કરે છે તે બાબતથી ખુશ થાય છે, કારણકે લોકો ન્યાય થતો અપરાધીને દંડ પામતો જોવા માંગે છે અને જો ન્યાયાલય એ કામમાં સફળ ન થાય તો લોકો કાયદો હાથમાં લઈ શકે તેવી સંભાવના રહે જ છે.
        ન્યાય ન મળવાની અથવા તો સમાજમાં બદનામી(?) થવાના ડરે સ્ત્રીઓ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવવા આગળ આવતી નથી.અમેરિકા જેવા દેશના આંકડા અનુસાર લગભગ અડધોઅડધ સ્ત્રીઓ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવવા આગળ આવતી નથી, તો ભારત જેવા દેશમાં તો ફરિયાદ ન નોંધાવનાર સ્ત્રીઓનું પ્રમાણ કેટલું ઊંચુ હશે તે સમજી શકાય તેમ છે. પણ બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓની બદનામી શા માટે? બદનામ તો એ પુરુષ થવો જોઈએ કે જેણે આવો જઘન્ય અપરાધ કર્યો. બળાત્કાર માટે ઘણીવાર ઈજ્જત લૂંટાઈ એવો શબ્દપ્રયોગ વપરાય છે. પણ જે અપરાધનું ભોગ બન્યું હોય તેની ઈજ્જત લૂંટાઈ એવું ગણાવું જોઈએ કે જેણે અપરાધ કર્યો હોય તેની? જો કોઈ ઘરમાં ઘુસીને લૂંટ કરે તો ઘરમાં રહેનારાની ઈજ્જત લૂંટાણી એવું ગણાય? અને સ્ત્રીની ઈજ્જત, આબરુ માત્ર તેની કૌમાર્ય પર કે તેના શરીરના એટલા ભાગ પર જ નિર્ભર છે? સમાજે આ દ્રષ્ટિકોણ બદલવો જ જોઈશે. સ્ત્રીની ઈજ્જત આબરુને શરીરના એટલા જ ભાગ સાથે જોડવાનું બંધ કરવું જોઈશે. ઉપરાંત બળાત્કારના કિસ્સામાં મદદ માટે હેલ્પલાઈન તથા સહાયતા કેન્દ્ર ખુલવા જોઈએ કે જેથી સ્ત્રીઓ પોતાના પર થયેલા આ અત્યાચારનો સામનો કરવા આગળ આવે.
        મુખવાસ: अगर गलत और बहुत गलत में से किसिको चुनना होगा तो किसे चुनोगे?

Tuesday 11 July 2017

ગુરૂ પૂર્ણિમા

        હમણાંજ અષાઢી પૂર્ણિમા ગઈ. ભારતવર્ષમાં તથા દુનિયાભરમાં વસતા ભારતીયો દ્વારા તેની ગુરૂ પૂર્ણિમા તરીકે, કયાંક વ્યાસ પૂર્ણિમા તરીકે પણ, ઉજવણી થાય છે.
        હવેથી શરૂ કરીને દિવાળીના મહાપર્વના આગમનને લગભગ સો દિવસ રહે છે, દિવાસો?
        દક્ષિણાયનના આરંભ પછીની આ પ્રથમ પૂર્ણિમા હોય છે. એવી કથા છે કે ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ જ્યારે પોતાના ગુરૂ પ્રત્યેનો આદરભાવ, પૂજ્યભાવ પ્રકટ કરવા કરવા ની ઈચ્છા વ્યક્ત કરી તો વેદવ્યાસજીએ વર્ષના કોઈપણ એક દિવસને પસંદ કરી ઊજવવા કહ્યું. આથી ભગવાન વેદ વ્યાસના શિષ્યોએ અષાઢી પૂર્ણિમાએ તેમનો જન્મ થયેલ હોવાથી તે દિવસ પસંદ કર્યો.અને આ રીતે ગુરૂ પૂર્ણિમાની ઊજવણી શરૂ થઈ.આ દિવસે શિષ્યો પોતાના ગુરૂને નમન કરે છે, પૂજા કરે છે, તથા ગુરૂદક્ષિણા અર્પે છે.
        ગુરૂ શબ્દની વ્યૂત્પત્તિ ઘણી સરસ છે. સંસ્કૃતમાં  ગુ અર્થાત  અંધકાર અને રૂ અર્થાત પ્રકાશ. જે જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ લીવે છે તે ગુરૂ.
          गुकारः अन्धकारस्तु रूकारस्तेजमुच्यते।
         अन्धकार निरोधत्वात गुरूरित्यभिधीयते॥
        અને જે આપણા જીવનનો અંધકાર દૂર કરે છે સ્વાભાવિક પણે જ આપણું મસ્તક ત્યાં નમે છે.
          अज्ञानअन्धकारस्य ज्ञानांजनशलाक्या।
          चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरूवे नमः॥
        ગુરૂને આપણી પરંપરામાં બહુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. ''ગુરૂ વિના નહિ જ્ઞાન''. ગુરૂને સાક્ષાત ભગવાન સમાન ગણવામાં આવ્યા છે.
          गुरूर्ब्रह्मा गुरूर्विष्णु गुरूर्देवो महेश्वरः।
        गुरूर्साक्षात परःब्रह्म तस्मै श्री गुरूवे नमः॥
        અરે કેટલાકે તો ગુરૂને હરિ કરતા પણ ઊંચુ સ્થાન આપ્યુ છે.
       गुरू गोविंद दोनो खडे किसको लागु पाय
     बलिहारी गुरू आपकी गोविंद दियो दिखाय।
        ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે, આપણા દેશમાં. પણ જેમ બધે થાય છે તેમ તેમાં પણ લૂણો લાગ્યો, અને પાંખડીઓ જેમને બ્રહ્મનું જ્ઞાન ન હોય તેવા લોકો આંડબર અને બાહ્ય દેખાવથી ગુરૂ બની બેઠા.આવા ગુરૂ જેમને પોતાને જ્ઞાન નથી તેને ત્યાં શિષ્ય થઈને આવેલાને શું શીખવે?
પોતે ન જાણે હરિને લેશ, અને કાઢી બેઠો ગુરૂનો વેશ!
જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
એવા ગુરૂ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર?
        પણ આજના જમાનામાં તો આવા ગુરૂઓની ભરમાર છે ને સાચા ગુરૂ ગોતવા એ લોઢાના ચણા ચાવવા જેવુ કામ થઈ પડે તેમ છે.
સાચો ગુરૂ જાણજે જુક્ત, જે કનક-કામિની નોહે આસક્ત;
બીજા સઘળા આળપંપાળ, જે ધનને અર્થે માંડે જાળ;
તેથી કહો કો શું નીપજે, અખા અંતરમાં માયાને યજે?
        આવા ગુરૂ પોતે તો ડુબે છે પણ પોતાના શિષ્યને પણ ડૂબાડે છે.આવા ગુરૂથી સમજીને દૂર રહીએ એમાં જ આપણું શ્રેય છે.
        અંતે ગુરૂ તો માર્ગ દેખાડે છે, જેના પર ચાલવાનં આપણે પોતે છે.
          अप्प दीपो भव। તું જ તારો દીપક બન.
મુખવાસ: શું ગુગલ ગુરૂ ગણાય? ગુગલમાંથી માહિતી મળે છે અને જ્ઞાન એ માહિતી કરતા કઈંક વધુ છે.